ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કુલ 357 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ 30 જૂન, 2026ના રોજ વયમર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થયા છે. એક જ દિવસે મોટી સંખ્યામાં થયેલી આ નિવૃત્તિમાં રાજ્યના વહીવટી અને પોલીસ તંત્રના અનેક વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે.
નિવૃત્ત થયેલા અધિકારીઓમાં 2 ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારીઓ, 3 નાયબ કલેક્ટર, 3 નાયબ પોલીસ અધિક્ષક (DSP) તેમજ 13 મામલતદારોનો સમાવેશ થાય છે. ઉપરાંત વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ વયનિવૃત્તિના કારણે સરકારી સેવામાંથી વિદાય થયા છે.
દર વર્ષે જૂનના અંતે વયમર્યાદા પૂર્ણ કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ નિવૃત્ત થતા હોય છે. આ વર્ષે પણ રાજ્યના વિવિધ વિભાગોમાં નોંધપાત્ર સંખ્યામાં અધિકારીઓ નિવૃત્ત થતાં તેમની જગ્યાઓ પર નવા અધિકારીઓની નિમણૂક અને વહીવટી જવાબદારીઓના પુનર્વહેંચણાની પ્રક્રિયા હાથ ધરાશે.
રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત થયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓની લાંબી જાહેર સેવાની નોંધ લઈ તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું છે. હવે સંબંધિત વિભાગો દ્વારા ખાલી પડેલી જગ્યાઓ પર વહીવટી જરૂૂરિયાત મુજબ નવી નિમણૂકો અને જવાબદારીઓ સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે.
