ગુજરાતમાં 13થી 16 વર્ષની 1633 દીકરીઓ સગર્ભા

બેટી બચાવો, બેટી પઠાઓના નારા વચ્ચે સરવેમાં ચોંકાવનારો ખુલાશો, બાળોલગ્ન અટકાવવામાં સરકાર નિષ્ફળ રહ્યાનો કોંગ્રેસનો આક્ષેપ ગુજરાતમાં બાળલગ્ન અને નાની ઉંમરે માતૃત્વની ગંભીર સમસ્યા ફરી…

બેટી બચાવો, બેટી પઠાઓના નારા વચ્ચે સરવેમાં ચોંકાવનારો ખુલાશો, બાળોલગ્ન અટકાવવામાં સરકાર નિષ્ફળ રહ્યાનો કોંગ્રેસનો આક્ષેપ

ગુજરાતમાં બાળલગ્ન અને નાની ઉંમરે માતૃત્વની ગંભીર સમસ્યા ફરી એકવાર સામે આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર 2025 દરમિયાન કરાયેલા સત્તાવાર સર્વેમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં 13થી 16 વર્ષની કુલ 1633 દીકરીઓ સગર્ભા છે. આ ચોંકાવનારા આંકડાઓએ મહિલા-બાળ સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણ તંત્રની કાર્યક્ષમતાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સગર્ભાવસ્થાઓ મોટા ભાગે બાળલગ્ન સાથે જોડાયેલી હોવાની શક્યતા છે, જે દીકરીઓ અને તેમના સંતાન માટે ગંભીર આરોગ્ય જોખમ ઉભું કરે છે.આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, NFHS-5ના આંકડાઓ મુજબ રાજ્યમાં બાળલગ્નનો દર 21.8 ટકા છે અને કેટલાક જિલ્લાઓમાં આ પ્રમાણ 30થી 49 ટકા સુધી પહોંચ્યું છે. બાળલગ્ન પ્રતિબંધક કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે.

‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા નારા જમીન પર નિષ્ફળ સાબિત થયા છે, તેમ તેમણે કહ્યું હતું.બીજી તરફ, બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જાહેર થયેલા આંકડાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. ’દરેક કેસ બાળલગ્નનો જ છે કે કેમ તેની ખરાઈ કર્યા બાદ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં ‘બાળ વિવાહ મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ટ્રાયબલ અને પછાત વિસ્તારોમાં સતત જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, તેમ તેમણે જણાવ્યું. સામાજિક પ્રથાઓ, આર્થિક દબાણ અને કાયદાની અજ્ઞાનતા બાળલગ્નનું મુખ્ય કારણ છે. સરકાર દ્વારા સરપંચો, તલાટીઓ, સમાજના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓને જોડીને બાળલગ્ન રોકવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

એક તરફ સરકાર કાર્યવાહી અને જાગૃતિની વાત કરે છે, તો બીજી તરફ 1633 નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ તંત્રની નબળાઈ દર્શાવે છે. ગજ્જરનું કહેવું છે કે, બાળલગ્ન અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ અને મહિલા-બાળ વિકાસ વિભાગ મારફતે સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ઘણા વિસ્તારોમાં માતા-પિતા પૈસાની લાલચ, સામાજિક રીવાજો અને પરંપરાઓ, તેમજ બાળલગ્ન પ્રતિબંધક કાયદાની પૂરતી જાણકારી ન હોવાના કારણે દીકરા-દીકરીઓના નાની ઉંમરે લગ્ન કરાવી દે છે. ખાસ કરીને ટ્રાયબલ અને શ્રમજીવી પરિવારોમાં આર્થિક તંગી અને સમાજના દબાણને કારણે બાળકોની ઇચ્છા વિરુદ્ધ પણ લગ્ન કરાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ગજ્જરના જણાવ્યા મુજબ, જ્યાં સુધી માતા-પિતા અને સમાજમાં વ્યાપક જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી બાળલગ્ન પર સંપૂર્ણ રોક લગાવવી પડકારરૂૂપ રહેશે. હવે જોવાનું રહ્યું કે, આ ચોંકાવનારા આંકડાઓ બાદ સરકાર માત્ર તપાસ સુધી સીમિત રહેશે કે બાળલગ્ન સામે ખરેખર કડક કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *