નવા રિંગ રોડ ટચ કરોડોની જમીન ફાળવણીમાં તંત્રએ અક્કલનું દેવાળુ ફૂકયું
ગ્રામ પંચાયતને જાણ કર્યા વગર 160 લોકોને ઘરથાળના પ્લોટ ફાળવી દેતા ભારે ચકચાર
ગ્રામ પંચાયતના સભ્યો-સરપંચ દ્વારા કલેકટરને રજૂઆત, હાઇકોર્ટમાં જવા ચીમકી
રાજકોટની ભાગોળે આવેલ લોધિકા તાલુકાના જસવંતપુર ગામે નવા રીંગરોડની બાજુમાં અંદાજે 40 વર્ષ જૂના ગૌચરના તળાવમાં બારોબાર કલેકટર તંત્ર દ્વારા પછાત વર્ગના 160 લોકોને પ્લોટિંગ ફાળવી દેવામાં આવતા ગ્રામપંચાયતના સતાધિશો અને ગામલોકોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે. આ ગૌચરની જમીનના તળાવમાં પ્લોટ ફાળવી દેવામા આવતા જેસીબી દ્વારા યુદ્ધના ધોરણે તળાવ બુરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે સરપંચ સહિતના ગ્રામજનોએ જિલ્લા કલેકટર કચેરીએ દોડી આવી ગૌચરના તળાવમાં પ્લોટની ફાળવણી રદ કરી તાત્કાલીક તળાવનુ બુરાણ અટકાવવા માંગણી કરી છે.
ગ્રામ પંચાયતને જાણ કર્યા કે, વિશ્ર્વાસમાં લીધા વગર બારોબાર ગૌચરના તળાવમાં પ્લોટ ફાળવી દેવા સામે પંચાયતે કલેકટર તંત્રમાં વાંધો પણ ઉઠાવ્યો છે. અને ફાળવણી રદ નહીં થાય તો હાઇકોર્ટમાં પીટીશન કરવાની ચીમકી આપી છે. કાયદામાં ગૌચરની જમીન અન્ય કોઇ પણ હેતુ માટે ફાળવવાની જોગવાઇ નથી છતા નવા રીંગરોડ ઉપર આવેલી કરોડો રૂપિયાની કિંમતની આ જમીનનુ તળાવ ફાળવી દેવામાં આવ્યુ છે.
ગ્રામજનોનુ કહેવુ છે કે, 1976ના દુષ્કાળ સમયે આ જમીન ઉપર રાહતકામ દ્વારા તળાવ બનાવવામાં આવ્યુ હતુ. અને હાલ સરકારી રેકર્ડ ઉપર પણ આ જમીન ગૌચરની બોલે છે. છતા એક મંત્રીના દબાણના કારણે તંત્ર દ્વારા ગૌચરનુ તળાવ પ્લોટિંગ માટે ફાળવી દેવાયુ છે. આ કૌભાંડમાં રાજય સરકારના મંત્રીના પરિવારના એક નજીકના સભ્યની પણ સંડોવણી છે. અને તેની સૂચનાથી જ તાબડતોબ તળાવ બુરવામા આવી રહ્યુ છે.
ગ્રામજનો અને ગ્રામપંચાયતના શાસકોએ કલેકટરને આવેદન પત્ર આપી જણાવેલ છે કે, રાજકોટ જિલ્લા ના લોધિકા તાલુકાના જશવંતપુર ગામે નવા રીંગ રોડ ની બાજુમાં સરસ મજાનું એક વિશાળ તળાવ આવેલું છે, આ તળાવમાં દર વર્ષે ઘણું પાણી ભરાય છે અને આજુબાજુના ખેડૂતો પશુપાલકો અને દરેકને ખુબજ ફાયદો થાય છે,
થોડા દિવસથી આ તળાવને બુરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જેથી ગામ લોકો ભેગા મળીને રોકવાનો પ્રયત્ન કર્યો તો તે લોકો કહે સરકારે અમને અહીયા પ્લોટીંગ ફાળવેલ છે. ગામની સીમ હોવા છતાં ગામના સરપંચ કે તલાટી મંત્રીને કોઈને પણ જાણ કાર્ય વિના આ પ્લોટીંગ કરેલ છે. અને કોઈપણ ચેક્ડેમ કે સરોવર ને બુરવું કે બીજા કોઈ પણ ઉપયોગમાં લેવું તે હિતાવહ નથી.
દેશના વડાપ્રધાનના સૂચન મુજબ ગામ લોકો તેમજ આજુબાજુના ખેડૂતો સંસ્થા સાથે મળીને લોકભાગીદારીથી આ તળાવને ખુબ ઊંડું અને મોટું કરવા માંગીએ છીએ. ગામના સરપંચ, તલાટી મંત્રી, ગામના સભ્યો અને આગેવાનો તેમજ આજુબાજુના ખેડૂતોની બધાની રજૂઆત છે કે આ ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી સમાન તળાવને બુરવામાં ન આવે એવી વિનંતી છે. જશવંતપુર ગામના સરપંચશ્રી કાંતાબેન રામાણી, ડો. ઘનશ્યામ રામાણી તેમજ રાજેન્દ્રસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ધીરુભાઈ ટીલાળા, ભૂપતસિંહ જાડેજા, નીતિનભાઈ ખૂટ, જયંતીભાઈ વસોયા, વિરજીભાઈ વસોયા, પંકજભાઈ વસોયા, પ્રવીણભાઈ વસોયા, વિપુલભાઈ સોજીત્રા, ભુપતભાઈ વસોયા, જયેશભાઈ વસોયા, પરેશભાઈ વસોયા, અરજણભાઈ વસોયા, દીક્ષિત ભાઈ રામોલિયા આ ગામના સદસ્યો અને ખેડૂતો ની રજૂઆતને યોગ્ય કરવા વિનંતી. તેમજ લાગતી વળગતી દરેક એજન્સીને રજૂઆત પણ કરેલ છે.
ગૌચરમાં પ્લોટ ફાળવણીથી માંડી તળાવ બુરવામાં મહિલા નેતાના પતિ સક્રિય
જસવંતપુર ગામે બીજા રીંગરોડ ટચ આવેલી ગૌચરની જમીનના તળાવમાં ઘર-થાળના પ્લોટની ફાળવણીમાં ભાજપના એક મહીલા પદાધિકારીના પતિદેવ અંગત રસ લઇ રહ્યાની ચર્ચા છે. તેમની સુચનાથી જ રાતોરાત તળાવ બુરવા માટે જેસીબી સાથનો કાફલો કામે લગાડાયો હોવાનું કહેવાય છે. ગૌચરના આ તળાવને સરકારી ગણાવી મફત પ્લોટ ફાળવવામાં આવ્યા છે. પરંતુ પ્લોટ ફાળવણી પોતે કરાવી હોવાનું જણાવી રૂા.10-10 લાખના ઉઘરાણા પણ કરવામાં આવી રહ્યાની ચર્ચા છે. આ સીવાય લાગતા વળગતા, મામકા તેમજ સગાસંબંધીઓને જ પ્લોટ ફાળવાય તેવી ગોઠવણ થયાના આક્ષેપો પણ થઇ રહ્યા છે.