ગાંધીનગરના વિશ્વપ્રસિદ્ધ રૂૂપાલ ગામમાં જગતજનની શ્રી વરદાયિની માતાજીના પલ્લી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ યોજાયેલા આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા ઉમટી પડ્યા હતા. સમગ્ર રૂૂપાલ ગામ ‘જય મા વરદાયિની’ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
મધ્યરાત્રિએ 12 વાગ્યા બાદ પાંચ દિવ્ય જ્યોત ધરાવતી પલ્લી રથયાત્રા પરંપરાગત રીતે નીકળી હતી. ગામના 27 જેટલા નિશ્ચિત ચોકમાં ભ્રમણ કરતી પલ્લી પર ભક્તોએ શ્રદ્ધાપૂર્વક શુદ્ધ ઘીનો અભિષેક કર્યો હતો.
આ દરમિયાન લાખો લિટર ઘીનો ઉપયોગ થયો હોવાનો અંદાજ છે. કરોડો રૂૂપિયાના ઘીના અભિષેકથી ગામની શેરીઓ અને માર્ગો પર ઘીની નદીઓ વહેતી હોય તેવાં અદભુત દૃશ્યો સર્જાયાં હતાં.
પલ્લી મહોત્સવ પહેલાં મંદિરના વિશાળ પટાંગણમાં ભવ્ય ગુલાલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો, યુવાનો અને વડીલોએ એકબીજા પર ગુલાલ ઉડાડીને માતાજીના વધામણાં કર્યા હતા. સાથે જ ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહના ત્રિવેણી સંગમ સમા આ મહોત્સવમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
પલ્લીના પ્રસ્થાન પૂર્વે ચાવડા પરિવાર દ્વારા લોહીથી તિલક કરવાની પરંપરા નિભાવવામાં આવી હતી. દર્શન માટે આવેલી મહિલાઓ માથા પર માટલી અને દીવા સાથે જોવા મળી હતી, જ્યારે અસંખ્ય શ્રદ્ધાળુઓ મકાનોના ધાબા અને ઝાડ પર ચડીને પલ્લીના દર્શન કરતા નજરે પડ્યા હતા. શ્રદ્ધાળુઓ દ્વારા લાવવામાં આવેલું ઘી કેરબા, ડબ્બાઓ અને ટ્રેક્ટરોની ટ્રોલીઓમાં એકત્ર કરીને પલ્લી પર ચઢાવવામાં આવ્યું હતું. સમગ્ર રૂૂપાલ ગામ આકર્ષક રોશનીથી ઝગમગી ઊઠ્યું હતું.રૂપાલની પલ્લી સાથે આશરે પાંચ હજાર વર્ષ જૂનો પૌરાણિક ઇતિહાસ જોડાયેલો હોવાનું માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર, પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન પોતાના દિવ્ય શસ્ત્રો રૂૂપાલ ગામમાં આવેલા પવિત્ર વરખડીના વૃક્ષ નીચે છુપાવ્યાં હતાં. અજ્ઞાતવાસ પૂર્ણ થયા બાદ માતા વરદાયિનીની પૂજા કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મહાભારતના યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયા પછી ભગવાન શ્રીકૃષ્ણની ઉપસ્થિતિમાં સોનાની પલ્લી બનાવી તેના પર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારથી આ પરંપરા અવિરત ચાલી આવતી હોવાની માન્યતા છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામે પણ રાવણ સામેના યુદ્ધ પહેલાં માતાજીના આશીર્વાદ લીધા હોવાની લોકમાન્યતા છે.
