હિમાચલ પ્રદેશમાં 1500થી વધુ રસ્તાઓ બંધ : રડતા બાળકો સહિત યાત્રિકો માટે ચિપ્સ-બિસ્કિટનો એક જ આધાર, પીવાના પાણીના સાંસા
હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલી સહિત અનેક ભાગોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. બરફથી ઢંકાયેલા પહાડો અને વૃક્ષોનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે, પરંતુ આ નજારો ત્યારે મુશ્કેલીમાં ફેરવાઈ ગયો જ્યારે અહીં ગાડીઓની લાંબી લાઈનો લાગી ગઈ. પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલી જવા માટે કેટલાય કિલોમીટર લાંબો જામ લાગ્યો છે. કેટલાક લોકો માટે આ રાહ જોવી ખૂબ લાંબી થઈ ગઈ છે, કારણ કે ઘણા લોકો 24 કલાકથી વધુ સમયથી જામમાં ફસાયેલા છે. રાજ્યમાં પંદરસોથી વધુ રસ્તાઓ બંધ છે.
લાંબા સમય સુધી સૂકા હવામાન બાદ ગયા અઠવાડિયે થયેલી હિમવર્ષાએ હિમાચલને ’વિન્ટર વન્ડરલેન્ડ’માં ફેરવી દીધું છે. હિમવર્ષા અને ઘટતા તાપમાને ટૂરિઝમ સેક્ટર માટે આશા જગાવી છે, પરંતુ હિમવર્ષા રાહતની સાથે સાથે આફત પણ લઈને આવી છે. લાંબા વીકેન્ડના કારણે અહીં પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ અને અંતે લાંબો જામ સર્જાયો.રડતા બાળકો સહિત યાત્રિકો દિવસ રાત મોટરકારોમાં પુરાઈ રહ્યાં છે.
દિલ્હી, ગુરુગ્રામ અને ચંદીગઢ જેવા શહેરોથી લોકો પહાડો પર આવી રહ્યા છે, પરંતુ બંધ રસ્તાઓ અને સંપૂર્ણ રીતે બુક થઈ ગયેલી હોટલોને કારણે તેમને ખરાબ અનુભવ થઈ રહ્યો છે. ભારે હિમવર્ષાએ મનાલીમાં જનજીવન થંભાવી દીધું છે, જેના કારણે સેંકડો પ્રવાસીઓ ઠંડીમાં ફસાયા છે. રસ્તાઓ પર બે ફૂટ સુધી બરફ જામી ગયો છે, જેના કારણે મુખ્ય હાઈવે પર અવરજવર બંધ થઈ ગઈ છે.મનાલી જતો નેશનલ હાઈવે લગભગ 8 થી 10 કિલોમીટર સુધી બંધ છે, જેના કારણે ઘણા પ્રવાસીઓને પોતાની ગાડીઓ છોડીને બરફમાં લાંબા અંતર સુધી પગપાળા ચાલવું પડી રહ્યું છે.
મૂળભૂત સુવિધાઓના અભાવે મુશ્કેલી વધારી છે. એક પ્રવાસીએ જણાવ્યું કે, ’અમે ગઈકાલ સાંજથી જ અહીં ફસાયેલા છીએ.’ દિલ્હીના એક પ્રવાસીએ જણાવ્યું કે તેમના ગ્રુપને આખી રાત પોતાની કારમાં જ વિતાવવી પડી કારણ કે હોટલો ફૂલ હતી. પહાડોમાં શાંતિ અને હિમવર્ષાનો નજારો જોવાની આશાએ પહોંચેલા પ્રવાસીઓ રસ્તાઓ પર ફસાઈ ગયા છે. એક મુસાફરે ન્યૂઝ એજન્સી અગઈંને જણાવ્યું કે, ’અમે આખી રાત કારમાં ફસાયેલા રહ્યા. અમારી સાથે બાળકો છે. અમે ખૂબ મુશ્કેલીમાં છીએ. અમે રાત્રે ઊંઘી શક્યા નથી અને નાસ્તો પણ કરી શક્યા નથી.’ હવામાન વિભાગે મંગળવારે કુલ્લુ, કિન્નોર, ચંબા અને લાહૌલ અને સ્પીતિ જિલ્લાઓ માટે ભારે હિમવર્ષા અને વરસાદની આગાહી કરતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બાકીના નવ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે ઠંડા દિવસોનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
