અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ક્રુડ ઓઈલના પુરવઠાને અસર થઈ છે અને તમામ દેશોમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલિયમ પેદાશોનો ઉપયોગ ઘટાડવા વિનંતી કરી છે. એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે પણ અપીલ કરી. મોદીએ કહ્યું કે, આજની જરૂૂરિયાત એ છે કે આપણે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ જરૂૂરિયાત મુજબ જ કરીએ. તેના કારણે માત્ર વિદેશી હૂંડિયામણની બચત નહીં થાય પણ યુદ્ધની પ્રતિકૂળ અસરોને પણ ઘટાડી શકાશે.
મોદીએ ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પણ વિનંતી કરી ને વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પ્રોત્સાહન આપવા પણ કહ્યું. મોદીએ વિદેશોમાં લગ્નનો ક્રેઝ વધ્યો છે તેના પર પણ બ્રેક મારવાની અપીલ કરતાં કહ્યું છે કે, કમ સે કમ એક વર્ષ સુધી તો બિનજરૂૂરી વિદેશ યાત્રાઓ ટાળવી જ જોઈએ. મોદી સાહેબે જે પણ કહ્યું એ સલાહો સાચી છે અને સમયસરની પણ છે કેમ કે અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે પણ કમનીસીબી એ છે કે, આ સૂફિયાણી સલાહો માત્ર પ્રજા માટે છે. અત્યારે કપરો કાળ ચાલી રહ્યો છે ત્યારે કરકસર કરવી જરૂૂરી છે પણ કરકસરની શરૂૂઆત સરકારે કરવી જોઈએ તેના બદલે મોદી સાહેબ લોકોને કરકસર કરવાની સલાહ આપીને ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપે એવું કરી રહ્યા છે.
મોદી સાહેબે લોકેને કરકસરની સલાહ આપી તેમાં ખોટું નથી પણ લોકોમાં દાખલો બેસાડવા માટે સરકારી સ્તરે સૌથી પહેલાં તેનો અમલ કરવાની જરૂૂર છે. ભારતમાં સરકારી તંત્ર જે પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરે છે એટલો ઉપયોગ દુનિયાના બીજા કોઈ દેશના સરકારી તંત્ર દ્વારા નહીં થતો હોય કેમ કે ભારત જેવું વીઆઈપી કલ્ચપ બીજા કોઈ દેશમાં નથી. ભારતમાં કોના બાપની દિવાળી એમ માનીને સરકારી તંત્રમાં બેઠેલી દરેક વ્યક્તિ પેટ્રોલ-ડીઝલનો બેફામ ધુમાડો કરે છે ને તેનો બોજ અંતે તો સરકારી તિજોરી પર જ આવે છે. ભારતમાં મંત્રીઓ સાવ ફાલતુ કામો માટે પણ કારોનો કાફલો લઈને નીકળી પડે છે.
મંત્રી બેઠા હોય એ કાર સિવાયની બીજી કારો તો તેમના સ્ટાફની ને સીક્યુરિટીની જ હોય છે. મંત્રીના કાફલામાં એમ્બ્યુલન્સ વગેરે પણ હાજર રખાતી હોય છે ને એ બધું પણ પાણી પર નહીં પણ પેટ્રોલ-ડીઝલ પર જ ચાલે છે. લોકાર્પણના નામે આપણે ત્યાં જે તાયફા થાય છે તેમાં પણ પેટ્રોલ-ડીઝલના બેફામ ધુમાડા થાય છે. નેતાજીની સભા હોય ત્યાં લોકોની ભીડ એકઠી કરવા સરકારી બસોનો ને બીજાં વાહનોનો બેફામ ઉપયોગ થાય છે. મોદી સાહેબે સૌથી પહેલાં તો આ ધુમાડા બંધ કરાવવાની જરૂૂર છે. એક વર્ષ સુધી કોઈ પણ મંત્રી ને નૈતા લોકાર્પણ માટે જાહેર સભાઓ ના કરે એવો આદેશ આપવો જોઈએ. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે એ જોતાં લોકાર્પણ ડિજિટીલી પણ થઈ જ શકે તેથી ખોટા તાયફાની જરૂૂર જ નથી. એ જ રીતે સરકારી સ્ટાફના સરાકરી વાહનોના ઉપયોગ પર પણ નિયંત્રણો મૂકવાં જોઈએ. સરકારી વાહનોનો અધિકારીઓ અને તેમના પરિવારો માટે થતો ઉપયોગ તો બિલકુલ બંધ થવો જોઈએ.
