અક્ષયકુમારની કોમેડી ફિલ્મ રિલીઝ
અક્ષય કુમાર સહિતની વિશાળ કાસ્ટ સાથેની ને જેની લાંબા સમયથી રાહ જોવાય છે એવી કોમેડી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ તેની વિશાળ સ્ટારકાસ્ટને કારણે સતત ચર્ચામાં છે. ફિલ્મનાં ડિરેક્ટર અહેમદ ખાને તાજેતરમાં ખુલાસો કર્યો કે આ ફિલ્મનું શૂટિંગ કોઈ સામાન્ય ફિલ્મ સેટ જેવું નહોતું, આટલા કલાકારો અને તેમની ટીમના કાફલા સાથે કામ કરવું એક મોટો પડકાર હતો. એક ઇન્ટરવ્યુમાં અહેમદ ખાને જણાવ્યું કે ફિલ્મમાં કુલ 34 કલાકારો સામેલ હોવાથી શૂટિંગનું આયોજન ખૂબ જ પડકારજનક હતું. ’આટલા બધાં મોટા સ્ટાર્સ સાથે કામ કરતી વખતે સામાન્ય રીતે મતભેદોની આશંકા રહેતી હોય છે, પરંતુ અમારી ટીમમાં એવો કોઈ પ્રશ્ન આવ્યો નહીં. બધા કલાકારો એકબીજા સાથે અત્યંત સહયોગથી કામ કરતાં હતાં.
આટલાં લોકોને એકસાથે આટલી ગરમીમાં કામ કરાવવુંસ બધાના ટાઇમ શીડ્યુલ સંભાળવા, બધાની ડેટ એકબીજા સાથે મેચ કરવી, દરેક કલાકાર માટે કેમેરા અને ફ્રમ સેટ કરતા રહેવા અને સેટ સંભાળવામાં અતિશય શ્રમ પડતો હતો.’ કેટલાક દિવસોમાં એકસાથે લગભગ 30 કલાકારો સેટ પર હાજર રહેતાં હતાં. દરેક કલાકાર સાથે સરેરાશ પાંચ સભ્યોની ટીમ હોવાથી માત્ર સ્ટાર્સની ટીમ જ લગભગ 150 લોકો સુધી પહોંચી જતી હતી. ઉપરાંત 200 જેટલા ટેક્નિશિયન, સ્ટંટ ટીમ, ઘોડેસવારો, બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ્સ અને ડાન્સર્સ મળીને સેટ પર હાજર લોકોની સંખ્યા 700થી 900 સુધી પહોંચી જતી હતી.
ફિલ્મનાં વિશાળ માપદંડનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે શૂટિંગ માટે બે મોટા મેદાનોની જરૂૂર પડી હતી. એક મેદાનમાં 50 વેનિટી વેન પાર્ક કરવામાં આવતી હતી, જ્યારે બીજા વિસ્તારમાં બેકગ્રાઉન્ડ કલાકારો અને યુનિટ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હતી. તેમણે જણાવ્યું કે દરરોજ લગભગ 200થી 250 કાર સેટ પર આવતી હતી. ’મેકઅપ ટીમ, હેર સ્ટાઇલિસ્ટ, ટેક્નિશિયન અને કલાકારોની અવરજવર સંભાળવી એ પોતે જ એક મોટું કામ હતું. અમારો ફિલ્મનો સેટ કોઈ ફિલ્મના શૂટ કરતાં અલગ દરરોજ કોઈ મોટા મ્યુઝિક કોન્સર્ટના આયોજન જેવા બની જતાં હતાં.’
