દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ટેલિકોમ અને સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રમાં ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે કહ્યું કે તેઓ સ્પર્ધાથી ડરતા નથી. કંપનીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે સાચી સ્પર્ધા એ જ છે, જેનાથી ખબર પડે કે સૌથી સારી સર્વિસ કોણ આપી રહ્યું છે.
કંપનીએ જણાવ્યું છે કે ભારતીય કંપનીની જેમ અમે પણ એવા વાતાવરણમાં આગળ વધ્યા છીએ, જ્યાં નવી વિચારસરણી અને રોકાણનું સ્વાગત કરવામાં આવે છે- પછી તે દેશી હોય કે વિદેશી. પરંતુ આ બધું નિયમો અને કાયદા અનુસાર ચાલે છે. સરકારના નિયમો દરેક માટે એકસમાન છે, પછી કંપની દેશી હોય કે વિદેશી. જિયો સેટેલાઇટને પણ હજુ સુધી સરકાર તરફથી સંપૂર્ણ મંજૂરી મળી નથી અને તેઓ પણ પોતાના વારો આવવાની રાહ જોઈ રહ્યા છે.
અમે સ્ટારલિંક જેવી નવી કંપનીઓનું સ્વાગત કરીએ છીએ. 2016માં જ્યારે જિયો શરૂ થઈ હતી, ત્યારે તેમની પાસે એક પણ ગ્રાહક નહોતો અને ટેલિકોમ માર્કેટમાં પહેલેથી જ અનેક કંપનીઓ હાજર હતી. તેમ છતાં, 10 વર્ષમાં જિયોએ 53 કરોડથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો અને દેશને સૌથી સસ્તો ડેટા અને શ્રેષ્ઠ સેવા આપી. જિયો હોય કે સ્ટારલિંક, દરેક કંપનીએ ભારતના કાયદા અને નિયમોનું પાલન કરવું જ પડશે.
રિલાયન્સે સ્પષ્ટ કર્યું છે કે તેને ક્યારેય સ્પર્ધાનો ડર રહ્યો નથી. કંપનીના મતે, બજારમાં અંતે ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા કોણ આપે છે, તે જ સૌથી મહત્ત્વનું છે. આ અંગે કંપનીએ વર્ષ 2016માં જિયોની શરૂઆતનું ઉદાહરણ આપ્યું હતું. જિયોએ જ્યારે ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે તેની પાસે એક પણ ગ્રાહક નહોતો. જોકે, કંપનીના જણાવ્યા અનુસાર, આજે જિયો 53 કરોડથી વધુ ગ્રાહકો સુધી પહોંચી ગયું છે અને દેશના ડિજિટલ ક્ષેત્રમાં સસ્તા ડેટા તથા સેવાઓનો વિસ્તાર કર્યો છે.સાથે જ, જિયોની પોતાની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ પણ સરકારી મંજૂરીની રાહ જોઈ રહી હોવાનું કંપનીએ જણાવ્યું છે.
કંપનીએ આ નિવેદન એલોન મસ્ક દ્વારા લગાવવામાં આવેલા તે આરોપો બાદ જાહેર કર્યું, જેમાં તેમણે ભારતીય ટેલિકોમ કંપનીઓ પર સ્ટારલિંકનો માર્ગ રોકવાનો દાવો કર્યો હતો.
