સરકારે બિલને દેશહિતમાં જણાવ્યું, વિપક્ષોનો ચર્ચા વગર પાસ કરાવ્યાનો આક્ષેપ
સંસદના શિયાળુ સત્ર દરમિયાન VB-G RAM G બિલ મધરાત બાદ રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું. આ દરમિયાન સભામાં માહોલ ખૂબ જ તણાવપૂર્ણ રહ્યો. વિરોધ પક્ષોએ બિલને લઈને સરકાર પર ઉતાવળ અને ચર્ચાથી બચવાનો આરોપ લગાવ્યો, જ્યારે ઘણા વિરોધ પક્ષના સાંસદો સભામાં તથા બહાર પ્રદર્શન અને ધરણા પર બેઠા હતા.
સરકાર તરફથી બિલને દેશહિતમાં હોવાનું જણાવવામાં આવ્યું. સંબંધિત મંત્રીએ કહ્યું કે VB-G RAM G બિલથી વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે, વિકાસ યોજનાઓને ગતિ મળશે અને સામાન્ય જનતાને તેનો સીધો લાભ મળશે. મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલી આશંકાઓ આધારવિહોણી છે અને બિલમાં જરૂૂરી તમામ સુરક્ષા જોગવાઈઓ સામેલ છે.
બીજી તરફ વિરોધ પક્ષનો આરોપ છે કે સરકારે આ મહત્વપૂર્ણ બિલને પૂરતી ચર્ચા વિના મધરાતે પાસ કરાવ્યું. કોંગ્રેસ, ટીએમસી, આપ સહિતના વિરોધ પક્ષના સાંસદોએ કહ્યું કે બિલની ઘણી જોગવાઈઓ સંવિધાનની ભાવનાને વિરુદ્ધ છે અને તેનાથી રાજ્યોના અધિકારો પર અસર પડી શકે છે. વિરોધમાં સાંસદો વેલમાં આવી ગયા, નારેબાજી કરી અને કેટલાક સાંસદોએ સભાની કાર્યવાહીનો બહિષ્કાર કરીને ધરણા આપ્યા.
રાજ્યસભામાં મોડી રાત સુધી ચાલેલી ચર્ચા દરમિયાન અનેક વખત કાર્યવાહી ખોરવાઈ. ઉપસભાપતિએ વિરોધ પક્ષને સભાની ગરિમા જાળવવાની અપીલ કરી, છતાં હંગામો ચાલુ રહ્યો. અંતે મતવિભાજન દ્વારા બિલ પાસ કરવામાં આવ્યું. બિલ પાસ થતાં જ રાજકીય નિવેદનોમાં તેજી આવી છે. સરકાર તેને ઐતિહાસિક પગલું કહી રહી છે, જ્યારે વિરોધ પક્ષે તેને લોકશાહી પ્રક્રિયાની અવગણના ગણાવી છે. વિરોધ પક્ષોએ સંકેત આપ્યો છે કે તેઓ આ મુદ્દે જનતા વચ્ચે જશે અને જરૂૂર પડે તો આગળ કાનૂની વિકલ્પો પર પણ વિચાર કરશે. હવે સૌની નજર એ પર છે કે VB-G RAM G બિલ લાગુ થયા બાદ તેની અસર કેવી રીતે જોવા મળે છે.
