વિતેલા વર્ષના અંતિમ ત્રિમાસિક ગાળાના પરિણામોએ દેશમાં ચિત્ર ઉજળું બતાવ્યું
ભારતીય અર્થતંત્ર માટે 2025નું અંતિમ ત્રિમાસિક ગાળો રોજગારીની નવી આશા લઈને આવ્યો છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ શ્રમ બળ સર્વે મુજબ, દેશમાં બેરોજગારીના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર જે અગાઉ 6.9% હતો, તે હવે ઘટીને 6.7% પર આવી ગયો છે. આ આંકડા માત્ર સંખ્યા નથી, પરંતુ તે દર્શાવે છે કે શહેરોમાં સ્વરોજગારી અને પુરુષ કાર્યબળમાં સ્થિરતા આવી રહી છે.
સર્વેનો સૌથી આકર્ષક પાસું ’નારીશક્તિ’નો વધતો ફાળો છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલા કાર્યબળ ભાગીદારી દર 37.5% થી વધીને 39.4% સુધી પહોંચી ગયો છે. આ દર્શાવે છે કે ગ્રામીણ અર્થતંત્રમાં મહિલાઓ હવે માત્ર ઘરકામ સુધી મર્યાદિત નથી, પરંતુ આર્થિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિયપણે જોડાઈ રહી છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2025 દરમિયાન દેશમાં રોજગારી મેળવતા લોકોની કુલ સંખ્યા 574 મિલિયન (57.4 કરોડ) પર પહોંચી ગઈ છે, જેમાં 17.2 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે.
ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની સ્થિતિ વધુ મજબૂત બની છે, જ્યાં બેરોજગારીનો દર 4.4% થી ઘટીને સીધો 4% પર આવી ગયો છે. ખેતીવાડી અને પશુપાલન જેવા પ્રાથમિક ક્ષેત્રોમાં હજુ પણ 58.5% ગ્રામીણ વસ્તી કાર્યરત છે, જે દર્શાવે છે કે કૃષિ ક્ષેત્ર હજુ પણ ભારતની રોજગારીની કરોડરજ્જુ છે. બીજી તરફ, શહેરોમાં ’તૃતીય ક્ષેત્ર’ એટલે કે સર્વિસ સેક્ટર 61.9% હિસ્સા સાથે રોજગારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. સરકારની નવી સર્વે પદ્ધતિને કારણે હવે ગ્રામીણ અને શહેરી બંને ભારતનો સચોટ ચિતાર મળી રહ્યો છે, જે ભવિષ્યમાં રોજગારલક્ષી નીતિઓ ઘડવામાં ખૂબ જ મદદરૂૂપ સાબિત થશે.
