દેશની અગ્રણી પરીક્ષણ સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency – NTA) માં ચાલી રહેલા વિવાદો અને પેપર લીક (Paper Leak) તથા ગરબડોના આક્ષેપો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું પગલું ભરવામાં આવ્યું છે. UGC-NETના ત્રણ મહત્વપૂર્ણ વિષયોની પરીક્ષા રદ કરવાની ફરજ પડ્યાના બિલકુલ બીજા જ દિવસે શિક્ષણ મંત્રાલય દ્વારા NTAની આંતરિક વ્યવસ્થામાં ’સર્જિકલ સ્ટ્રાઈક’ શરૂૂ કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી દ્વારા યોજવામાં આવેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક બાદ NTA ના વહીવટી અને તકનીકી માળખાને સાફ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ પ્રક્રિયા અંતર્ગત પરીક્ષા સંચાલન સુરક્ષા અને સુરક્ષામાં ગંભીર બેદરકારી દાખવનાર 50 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ને તાત્કાલિક અસરથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. સંસ્થાની વિશ્વસનિયતા પુન: સ્થાપિત કરવા માટે હવે ખાનગી ક્ષેત્રના શીર્ષ નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.
સંસ્થાને વધુ ટેક-સ્માર્ટ અને સુરક્ષિત બનાવવા માટે ચીફ ટેકનોલોજી, ચીફ ફાયનાન્સ ઓફિસર, ચીફ ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓફિસર અને જનરલ મેનેજર (ટેસ્ટ સિક્યોરિટી) જેવા 10 નવા વ્યાવસાયિક પદો પર વિશેષજ્ઞોની ભરતી માટે વિજ્ઞાપન બહાર પાડવામાં આવ્યા છે.
