ગુજરાત

રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર 1000ની લાંચ લેતા ખાણ ખનીજનો ક્લાર્ક સહિત બે પકડાયા

Published

on

ડમ્પરના માલિક પાસે હેરાનગતિ નહી કરવા લાંચ માગી હતી, રાજકોટ એસીબીની ટીમનું સફળ છટકું

રાજકોટ અમદાવાદ હાઈવે પર સુરેન્દ્રનગર જિલ્લાની ખાણખનીજ વિભાગની ચેક પોસ્ટે રાજકોટ એસીબીના મદદનીશ નિયામકની સુચનાથી સુરેન્દ્રનગર અને મોરબીની ટીમે 1000ની લાંચ લેતાં ખાણ ખનીજ વિભાગનાં કલાર્ક અને સિકયોરિટી ગાર્ડને ઝડપી લીધા હતાં. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતાં ડમ્પરના માલિક પાસે ડમ્પર નહીં રોકવા અને એન્ટ્રીના નામે હેરાનગતિ નહીં કરવા માટે રૂા.1500ની લાંચ માગ્યા બાદ 1000ની લાંચની રકમ લેવાનુ નક્કી થયું હતું. જે અંગે એસીબીને મળેલી ફરિયાદના આધારે છટકુ ગોઠવવામાં આવ્યું હતું.


સુરેન્દ્રનગરમાં રહેતા અને ડમ્પરનો વ્યવસાય કરતાં એક વ્યક્તિને તેમના ત્રણ ડમ્પર કે જે સુરેન્દ્રનગર પંથકમાં ખનીજોની હેરાફેરી કરતાં હોય તે ત્રણ ડમ્પર રોકી એન્ટ્રી તથા હેરાનગતિ નહીં કરવા માટે ખાણ ખનીજ વિભાગનાં કલાર્ક દ્વારા લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ એસીબીને કરવામાં આવી હતી.

જેના આધારે રાજકોટ એસીબીના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવીઝન હેઠળ લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર સુરેન્દ્રનગર વિભાગનાં ખાણખનીજની ચેક પોસ્ટ પાસે કટારીયા ગામ નજીક 1000ની લાંચ લેતાં સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગનાં નાકા કલાર્ક સાજિદખાન અહેમદખાન પઠાણ અને સિકયોરિટી ગાર્ડ ગીરીશ હિરાભાઈ ઝાલાને ઝડપી લેવામાં આવ્યા હતાં.

ડમ્પરના માલિક પાસેથી રૂા.1500ની લાંચ માંગવામાં આવી હતી. રકજકના અંતે 1000ની લાંચની રકમ નક્કી થઈ હતી.
સુરેન્દ્રનગર પંથકમાં ચાલતાં ખનીજની હેરાફેરી કરતાં ડમ્પરો પાસેથી બેફામ ઉઘરાણા થતાં હોય આ બાબતની ફરિયાદના આધારે એસીબીના સુરેન્દ્રનગર વિભાગનાં પીઆઈ એમ.એમ.લાલીવાલા અને મોરબી એસીબીની ટીમે આ સફળ છટકુ ગોઠવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version