બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થવાના કેસમાં નવો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસે હુમલાના આરોપમાં બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઈસ્લામ શહજાદની ધરપકડ કર્યા બાદ એવા અહેવાલ સામે આવ્યા છે કે, ક્રાઈમ સીન પરના નિશાન સાથે તેના ફિંગરપ્રિન્ટ મેચ થયા નથી. રાજ્યની સીઆઈડીએ શહજાદના ફ્રિંગર પ્રિન્ટ સેમ્પલનો નેગેટિવ રિપોર્ટ સબમીટ કર્યો છે. આ રિપોર્ટ મુંબઈ પોલીસ માટે ઝટકા સમાન છે અને સવાલો થઈ રહ્યા છે કે, અસલી હુમલાખોર શરીફુલ ઈસ્લામ છે કે કોઈ અન્ય?
16 જાન્યુઆરીએ સૈફ અલી ખાન પર હુમલો થયો હતો, તેના 72 કલાક બાદ પોલીસે શરીફુલ ઈસ્લામની ધકપકડ કરી હતી. પોલીસે દાવો કર્યો છે કે, તે ચોરી કરવાના ઈરાદે સૈફના ઘરમાં ઘુસ્યો હતો અને પછી અભિનેતા પર ચાકુથી હુમલો કર્યો. મીડિયા રિપોર્ટ મુજબ, ક્રાઈમ સીન પરથી જે ફિંગરપ્રિન્ટ્સ લેવાયા હતા, તે આરોપી સાથે મેચ થયા નથી. જેથી હવે ચર્ચાઓ શરૂૂ થઈ ગઈ છે કે, શું પોલીસે કોઈ ખોટા વ્યક્તિની ધરપકડ કરી છે? સૂત્રોના ટાંકીને રિપોર્ટમાં કહેવાયું છે કે, શરીફુલ ઈસ્લામના 10 ફિંગરપ્રિન્ટ સીઆઈડી ઓફિસમાં મોકલવામાં આવ્યા હતા. સીઆઈડીએ એક સિસ્ટમ જનરેટેડ રિપોર્ટથી પુષ્ટિ કરી છે કે, ક્રાઈમ સીન પરથી લેવાયેલા 19 ફિંગર પ્રિન્ટમાંથી કોઈપણ આરોપીના ફિંગર પ્રિન્ટ સાથે મેચ થયા નથી. એવું કહેવાય છે કે, પુણેના સીઆઈડી સુપ્રીન્ટેન્ડેન્ટને શુક્રવારે રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા બનાવાયેલો ચહેરાની ઓળખનો રિપોર્ટ તપાસ હેઠળ છે. સૈફની બિલ્ડિંગમાંથી બહાર નીકળેલા વ્યક્તિનો સીસીટીવી ફુટેજ પણ અસ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.
બીજીતરફ એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે, મુંબઈ પોલીસની બે સભ્યોની ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી છે. વાસ્તવમાં ધરપકડ કરાયેલા આરોપીએ સિમ કાર્ડ ખરીદવા માટે પશ્ચિમ બંગાળના એક વ્યક્તિના આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હતો, જેની તપાસ કરવા મુંબઈ પોલીસ પશ્ચિમ બંગાળમાં પહોંચી છે.
બાંગદેશીની ધરપકડ પહેલા પકડાયેલા યુવાનની નોટરી ગઇ, લગ્ન પણ લટકયા
મુંબઈમાં બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના કેસમાં શંકાસ્પદ તરીકે છત્તીસગઢના દુર્ગમાં અટકાયત કરાયેલા વ્યક્તિ આકાશ કનોજિયાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેમણે ન્યાયની માંગ પણ કરી છે. આકાશે કહ્યું હતું કે પોલીસની કાર્યવાહી બાદ તેનું જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે, તેની પાસે કોઈ નોકરી નથી અને પરિવાર બદનામીનો સામનો કરી રહ્યો છે. હકીકતમાં, મુંબઈ પોલીસ પાસેથી માહિતી મળ્યા બાદ, રેલવે પ્રોટેક્શન ફોર્સએ આકાશ કનોજિયા (31), જે ડ્રાઈવર છે, 18 જાન્યુઆરીએ દુર્ગ સ્ટેશન પર મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ-કોલકાતા શાલીમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાંથી અટકાયતમાં લીધી હતી. 19 જાન્યુઆરીની સવારે, મુંબઈ પોલીસે બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઈસ્લામ શહઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર ઉર્ફે વિજય દાસની પડોશી થાણેથી ધરપકડ કરી હતી, ત્યારબાદ દુર્ગ આરપીએફએ કનોજિયાને મુક્ત કર્યો હતો. આકાશ કનોજિયાએ કહ્યું કે, છૂટા થયા પછી તેની માતાએ તેને ઘરે આવવા કહ્યું, પરંતુ તે પછી તેના જીવનમાં ઉથલપાથલ થઈ ગઈ. તેણે કહ્યું, નસ્ત્રજ્યારે મેં મારા એમ્પ્લોયરને ફોન કર્યો, ત્યારે તેઓએ મને કામ પર ન આવવા કહ્યું. તેઓએ મારી વાત સાંભળવાની ના પાડી.બાદ યુવતીના પરિવારે લગ્ન માટે પણ ના પાડી દીધી.કનોજિયાએ કહ્યું કે હું સૈફ અલી ખાનની બિલ્ડિંગ બહાર ઊભો રહીને હવે નોકરી માંગીશ, કારણ કે તેના કારણે જ મેં બધું ગુમાવ્યું છે.