ગર્ગ એવિએશન એરક્રાફટ હતું, ટ્રેઇની ઇન્સ્ટ્રકટર પાસે 3000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ
કાનપુરના ગંગા બેરેજ પાસે આજે ગર્ગ એવિએશનનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું. આ ભયાનક દુર્ઘટનામાં પ્લેનમાં સવાર પાયલટ અને કો-પાયલટ બંનેના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. મૃતકોમાં ગુજરાતના સચિન ભાટીયાનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલું ટ્રેનિંગ એરક્રાફ્ટ ’ગર્ગ એવિએશન’નું હતું. ગુરુવારે કાનપુરના નત્થા ખેડા વિસ્તારમાં ગંગા બેરેજ પાસે ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાનપુરના ચીફ ફાયર ઓફિસર સહિત ઈમરજન્સી સર્વિસની ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડ અને ઈમરજન્સી ટીમોએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂૂ કરીને ક્રેશ થયેલા એરક્રાફ્ટના મલબામાંથી બે લોકોને અત્યંત ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક વિગતો અનુસાર, જીવ ગુમાવનારા બંને વ્યક્તિઓ પ્લેનમાં સવાર પાયલટ અને કો-પાયલટ હતા.
પોલીસ કમિશનર રઘુવીર લાલે જણાવ્યું કે ગર્ગ એવિયેશન સેન્ટરથી સાડા 11 વાગ્યે 4 સીટર વિમાને ઉડાન ભરી હતી. લગભગ 11:50 વાગ્યે આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું જેમાં બે લોકોના મોત નીપજ્યા. તેમાં ગુજરાતના રહેવાસી ઈન્સ્ટ્રક્ટર સચિન ભાટિયા અને કર્ણાટકના વતની ટ્રેઇની અભિષેક પૂજારીનો સમાવેશ થાય છે.
ટ્રેઈની ઈન્સ્ટ્રક્ટર પાસે 3000 કલાકથી વધુ ઉડાન ભરવાનો અનુભવ હતો. આ મામલે ડીજીસીએને જાણકારી આપી દેવામાં આવી છે. હવે ટીમ તપાસ કરશે. હાલમાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. વિમાનની વાત કરીએ તો તે ટેક્નમ વિમાન હતુ અને 2023માં જ તેને ટ્રેઈનિંગ માટે ફ્લિટમાં સામેલ કરાયું હતું.
