માઉન્ટ આબુમાં ભારે વરસાદને કારણે જાહેર માર્ગો ધોવાઈ જતાં પ્રશાસને કડક પગલાં લીધા છે. એસડીએમ ડો. અંશુ પ્રિયાએ બુધવાર સુધી તમામ પર્યટકો માટે માઉન્ટ આબુમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
રવિવારે સાત ધૂમ વિસ્તાર પાસે જાહેર માર્ગ ધોવાઈ ગયો હતો. આ ઉપરાંત આબુરોડ તળેટીથી માઉન્ટ આબુ વચ્ચેનો માર્ગ પણ બપોર બાદ ધોવાઈ ગયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને રાત્રે 8:30થી સવારે 6:00 વાગ્યા સુધી માત્ર આવશ્યક સેવાઓના વાહનોને જ પ્રવેશની મંજૂરી આપી હતી.
હાલમાં માત્ર સ્થાનિક લોકોને જ પ્રવેશની છૂટ આપવામાં આવી છે. પ્રશાસને હોટલ સંચાલકોને પણ સૂચના આપી છે કે તેઓ કોઈપણ પર્યટકને રૂૂમ ન આપે. પર્યટકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ આવતા શનિવાર-રવિવાર પછી જ માઉન્ટ આબુની મુલાકાત લે, જ્યાં સુધી માર્ગોનું સમારકામ પૂર્ણ ન થાય.
