દેશમાં હમણાં હિંદુ ધર્મસ્થાનોને તોડીને મસ્જિદ સહિતનાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો બનાવાયાં તેના વિવાદ ચગેલા છે. ઉત્તર પ્રદેશના સંભલની જામા મસ્જિદને ભગવાન વિષ્ણુ એટલે કે હરહરના મંદિરને તોડીને બનાવાઈ હતી એવી દલીલ સાથેની હિંદુ પક્ષની અરજી પર નીચલી કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) પાસે સર્વે કરવાનો આદેશ આપ્યો તેના કારણે સંભલમાં હિંસા થઈ ગઈ અને ચાર લોકો મરી ગયાં. આ વિવાદ શમ્યો નથી ત્યાં અજમેર દરગાહમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) દ્વારા સર્વે કરાવવાની અરજીને પણ નીચલી કોર્ટે સ્વીકારી લીધી છે. સંભલની જામા મસ્જિદ સર્વે કેસની શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ તેમાં કોર્ટે મસ્જિદના સર્વે રિપોર્ટને નહીં ખોલવાનો આદેશ આપ્યો છે અને ચંદૌસીની ટ્રાયલ કોર્ટને 8 જાન્યુઆરી સુધી આ કેસમાં કોઈ કાર્યવાહી ન કરવા કહ્યું છે.
સંભલ અને અજમેર બંને અંગેના દાવા કોર્ટમાં છે તેથી તે અંગે કંઈ પણ કહેવું યોગ્ય નથી પણ સંભલ અને અજમેર બંનેનો ઘટનાક્રમ ચિંતાજનક છે. ચિંતાજનક એ રીતે કે તેના કારણે ધીરે ધીરે દેશમાં બીજે બધે પણ આ પ્રકારની માગોનો સિલસિલો શરૂૂ થશે. ભારતમાં મુસ્લિમ આક્રમણખોરો આવ્યા ત્યારે તેમણે ઠેર ઠેર હિંદુ ધર્મસ્થાનો તોડીને મસ્જિદો બનાવી હતી. મુસ્લિમ બાદશાહોના સૂબાઓએ પણ ધર્મસ્થાનો તોડયાં હતાં ને મસ્જિદો બનાવી હતી. 1980ના દાયકામાં જ્યારે અયોધ્યાના રામમંદિરનો મુદ્દો ગરમ થયો ત્યારે હિંદુવાદી સંગઠનો દાવો કરતાં હતાં કે, મુસ્લિમ આક્રમણખોરોએ 3000 જેટલાં હિંદુ ધર્મસ્થાનોને તોડીને મસ્જિદો બનાવી છે.
આ દાવામાં અતિશયોક્તિ હોય તો પણ હજારેક મસ્જિદો સહિતનાં મુસ્લિમોનાં ધર્મસ્થાનો તો એવાં હશે જ કે જે મંદિરો કે હિંદુઓનાં બીજાં ધર્મસ્થાનો તોડીને બનાવાયાં હોય. આ ઈતિહાસ છે ને તેને કોઈ નકારી શકે તેમ નથી તેથી તેમનો વિવાદ ચગવાનો છે તેમાં મીનમેખ નથી. આ નુકસાન રોકવું જરૂૂરી છે ને એ કામ સરકાર તથા ન્યાયતંત્ર કરી શકે. અત્યારે વિવાદો ઊભા થઈ રહ્યા છે તેનું કારણ અદાલતો દ્વારા મુસ્લિમ મસ્જિદો સહિતનાં ધર્મસ્થાનોના સર્વેને અપાતી મંજૂરી છે. અદાલતો આ મંજૂરી આપવાનું બંધ કરી શકે છે કેમ કે વર્શિપ એક્ટ 1991 હેઠળ દેશભરમાં ધર્મસ્થાનો 15 ઓગસ્ટ 1947માં જે સ્થિતિએ હતાં એ સ્થિતિ જાળવવી જરૂૂરી છે. આ એક્ટ હેઠળ કોઈ પણ ધર્મના, કોઈ પણ પૂજાસ્થળની સ્થિતિ બદલી શકાય નહીં.