બિહારમાં પ્રજાના કરોડો રૂપિયા પાણીમાં ગયા
નીતિશ સરકાર વિકાસની ગુલબાંગો હાંકી રહી છે પણ વાસ્તવિકતા હવે લોકોના આંખે વળગીને ચોંટે છે. આજે બિહારના રોહતાસમાં રોપવે ટ્રાયલ રન દરમિયાન જ તૂટી પડતાં તેના કામકાજ અને ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સદનસીબે રોપ વે ટ્રાયલ રનમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, પણ જો આ દુર્ઘટના ઉદ્ઘાટન બાદ સર્જાઇ હોત તો મોટી જાનહાનિ થઈ હોત.
રોહતાસમાં પ્રાચીન રોહતાસગઢ કિલ્લા અને રોહિતેશ્વર ધામ મંદિર સુધી પહોંચવાની સુવિધા માટે આ રોપવે બનાવવામાં આવ્યો છે. જેનું બાંધકામ 12 ફેબ્રુઆરી, 2020ના રોજ શરૂૂ થયું હતું. શરૂૂઆતમાં, રોપવેમાં ઘણી તકનીકી ખામીઓ આવી હતી. તમામ મુશ્કેલીઓ દૂર કર્યા પછી, રોપવેનું કામ પૂર્ણ થયું હતું. પણ ટ્રાયલ રન પૂર્ણ થાય તે પહેલાં જ તેના ઘણા થાંભલા તૂટી પડ્યા. કહી શકાય કે મુહૂર્તના પહેલા કોળિયામાં જ માખી આવી છે. રોપ વે તૂટી પડવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આશરે 1324 મીટર લાંબા આ રોપવેમાં 5 ટાવર છે. કેટલાક ટાવરનો ઢાળ 40 ડિગ્રી છે. આ રોપવે ખુલવાથી, આશરે 1400 ફૂટની ઊંચાઈ પર સ્થિત રોહતાસગઢ પહોંચવું સરળ હતું. પહેલા લોકોને ત્યાં પહોંચવા માટે 60 કિલોમીટરની સફર કરવી પડી હતી અથવા તો ચાલીને જવું પડતું હતું. આશા હતી કે નવા વર્ષમાં રોહતાસગઢ કિલ્લા અને રોહિતેશ્વર ધામ મંદિર પહોંચવા સારી સુવિધા મળશે પણ હવે વર્ષોની મહેનત પર પાણી ફરી ગયું છે.
