પ્રાઇમ વીડિયોએ પોતાની આગામી હિન્દી ઓરિજિનલ સિરીઝ ’ધ રેવોલ્યુશનરીઝ’ના વર્લ્ડ પ્રીમિયરની તારીખ જાહેર કરી છે. નિખિલ અડવાણી દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત આ પિરિયડ ડ્રામા સિરીઝનું પ્રીમિયર 11 સપ્ટેમ્બર, 2026ના રોજ થશે. વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત આ સિરીઝ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા ચાર ઓછા જાણીતા ક્રાંતિકારીઓની કથા રજૂ કરશે.આ સિરીઝ સંજીવ સાન્યાલના બેસ્ટસેલિંગ પુસ્તક ’રિવોલ્યુશનરીઝ: ધ અધર સ્ટોરી ઓફ હાઉ ઇન્ડિયા વોન ઇટ્સ ફ્રીડમ’ પર આધારિત છે. સિરીઝનું લેખન સંયુક્તા ચાવલા શેખ, અક્ષિતા વધવાના, શોભિત નારંગ અને ઋત્વી મહેતાએ કર્યું છે. સ્વાતંત્ર્ય સંગ્રામના સમયગાળાની પૃષ્ઠભૂમિ પર આધારિત ’ધ રીવોલ્યુશનરીઝ’માં ચાર યુવા ક્રાંતિકારીઓ બ્રિટિશ સામ્રાજ્યને પડકારતા અને સશસ્ત્ર આંદોલનનો માર્ગ અપનાવતાં જોવા મળશે.
સિરીઝમાં ભુવન બામ રાસ બિહારી બોઝ, રોહિત સરાફ સચિન્દ્રનાથ સાન્યાલ, પ્રતિભા રાંટા પ્રતિભા લાહિરી અને ગુરફતેહ પીરઝાદા બાઘા જતિનની ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત જેસન શાહ, પાઓલી ડેમ અને ટોટા રોય ચૌધરી પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.’ધ રેવોલ્યુશનરીઝ’નું પ્રીમિયર હિન્દીમાં થશે. ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી ભાષામાં ડબિંગ સાથે અંગ્રેજી સહિત અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓના સબટાઇટલ્સ ઉપલબ્ધ રહેશે. સિરીઝ 11 સપ્ટેમ્બરથી ભારતમાં તેમજ વિશ્વના 240થી વધુ દેશો અને પ્રદેશોમાં પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.
