’બાહુબલી’ અને ’RRR’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર દિગ્ગજ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલી હવે ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મ ’વારાણસી’ સાથે ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં છે, પરંતુ અત્યારે સૌથી વધુ ચર્ચા આ ફિલ્મના માત્ર 25 મિનિટના એક ખાસ સીન (સિક્વન્સ) ની થઈ રહી છે. અહેવાલો મુજબ, રાજામૌલી આ ટૂંકા દ્રશ્ય પાછળ અધધ 300 કરોડ રૂૂપિયા ખર્ચી રહ્યા છે!
આ ફિલ્મનો સૌથી મહત્વનો ભાગ 25 મિનિટનો ’ત્રેતાયુગ’ એપિસોડ હશે. આ સીન દ્વારા ભગવાન રામના યુગને મોટા પડદે ફરીથી બનાવવામાં આવશે.
અદ્યતન ટેકનોલોજી: આ દ્રશ્યમાં હજારો CGI (કમ્પ્યુટર-જનરેટેડ ઇમેજરી) શોટ્સ હશે. દ્રશ્યો બિલકુલ વાસ્તવિક લાગે તે માટે મોશન કેપ્ચર અને ક્રાઉડ સિમ્યુલેશન જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ભગવાનના શસ્ત્રો, તે સમયના ઘરેણાં અને સ્થાપત્ય (આર્કિટેક્ચર) પર વર્ષો સુધી સંશોધન કરવામાં આવ્યું છે જેથી દર્શકો ખરેખર ત્રેતાયુગમાં પહોંચી ગયા હોય તેવો અનુભવ થાય.
અંદાજે ₹1,300 કરોડ ના નિર્માણ ખર્ચ અને ₹200 કરોડના પ્રમોશનલ બજેટ સાથે આ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઈ રહી છે. ફિલ્મમાં મહેશ બાબુની સાથે બોલીવુડ ક્વીન પ્રિયંકા ચોપરા અને સાઉથના દિગ્ગજ અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્વના રોલમાં જોવા મળશે. શૂટિંગ માટે જ્યોર્જિયા જેવા આંતરરાષ્ટ્રીય સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. આ મેગ્નમ ઓપસ ફિલ્મ 7 એપ્રિલ, 2027 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
