સોમવારે મહારાષ્ટ્રના નાગપુરના મહાલ વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસા બાદ મોડી રાત્રે બીજા વિસ્તારમાં આગચંપી થયાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હંસપુરી વિસ્તારમાં પણ બદમાશોએ ઘણી દુકાનો અને ઘરોને નિશાન બનાવ્યા છે. પોલીસે શહેરમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. નાગપુર પોલીસ કમિશનર ડો. રવિન્દર સિંઘલે જણાવ્યું હતું કે શહેરમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 લાગુ કરવામાં આવી છે. હિંસાના બનાવોના પગલે 10 વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જુદી જુદી ઘટનાઓમાં 25 પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ હતી. તોફાનો સબંધી 65 ઉપદ્રવ્યોની ધરપકડ કરાઈ છે.
હકીકતમાં અથડામણની પહેલી ઘટના સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે મહલના ચિટનીસ પાર્ક વિસ્તારમાં બની હતી. બીજી અથડામણ રાત્રે 10.30 થી 11.30 વાગ્યાની વચ્ચે હંસપુરી વિસ્તારમાં પુરાણા ભંડારા રોડ પાસે થઈ હતી. આ દરમિયાન, ગુસ્સે ભરાયેલા ટોળાએ આ વિસ્તારમાં અનેક વાહનો સળગાવી દીધા અને તોડફોડ કરી અને ધરોને આગ ચાંપી દીધી.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર હટાવાના મામલાએ હિંસક સ્વરુપ ધારણ કર્યું છે. નાગપુરના મહાલ એરિયામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ઔરંગઝેબની કબર હટાવવા માટે આ સ્થળે પ્રદર્શન કર્યું હતું. ઔરંગઝેબની પ્રતીકાત્મક પ્રતિમા બાળ મૂકી હતી જે પછી સાંજે શિવાજી ચોક પાસે ચિટનીસ પાર્ક વિસ્તારમાં પથ્થરમારો થયો અને કેટલાક વાહનો સળગાવી મૂકાયા હતાં એ પછી પોલીસે ટિઅરગેસ છોડયો હતો.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગરિકોને આ પરિસ્થિતિમાં વહીવટને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. નાગપુર એક શાંતિપ્રિય શહેર છે અને એકબીજાના સુખ-દુ:ખમાં ભાગીદાર બને છે. આ નાગપુરની કાયમી પરંપરા રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ શાંતિની અપીલ કરી હતી.