સીમાએ કહ્યું કે વિધિ બાકી છે, ઘડીક મુક્તિ આપો, પોલીસે ડિમાન્ડ ઠુકરાવી
હાથમાં મહેંદી, ચહેરા પર પીઠી અને ગળામાં હાર સાથે સીમા ભોપાલના કોહેફિઝા પોલીસ સ્ટેશન પહોંચી હતી. દુલ્હન પોતાના થનાર પતિ ગેંગસ્ટર આકાશ સાથે મળવાની વિનંતી કરવા લાગી. તેણે પોલીસને કહ્યું કે, પોતાના થનાર પતિને બે કલાક માટે છોડી મૂકવામાં આવે, જેથી લગ્નની વિધિ પૂરી થઈ શકે. દુલ્હને પોલીસને એ પણ કહ્યું કે, જો તેને છોડવો શક્ય ન હોય, તો કસ્ટડીમાં જ તેના ફેરા કરાવવામાં આવે. જો કે, પોલીસે તેની માંગને સ્વીકારી નહીં.
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં સક્રિય ઇલીગલ ગેંગના સાગરીત આકાશ નીલકંઠના લગ્ન યુવતી સીમા સાથે થવાના હતા. બુધવારે બપોરે લગ્નની વિધિ ચાલી રહી હતી, ત્યારે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મંડપમાંથી વરરાજાની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આકાશ સાથે તેના સાથીઓ રાજમજી ઠાકુર, અભિષેક ઉપાધ્યાય, અભિષેક મીણા, નીરજ ખાનગે અને અમિત ઓસવાલની પણ ધરપકડ કરી છે. તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
પોલીસ અનુસાર આરોપીઓએ મળીને એક 26 વર્ષીય પૂજારીનું અપહરણ કર્યું હતું. તેને રૂૂમમાં બંધ કરીને ઢોર માર માર્યો અને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપીને આઠ લાખ રૂૂપિયાની ખંડણી માંગી હતી. આરોપીઓ પૂજારીને ઈદગાહ હિલ્સ વિસ્તારમાં એક ફ્લેટમાં બંધક બનાવીને રાખ્યો હતો. બાદમાં તેના ભાઈ પાસેથી 50 હજાર રૂૂપિયા ઓનલાઈન વસૂલ્યા હતા.
બાકી 7.5 લાખ રૂૂપિયા પાંચ હપ્તામાં ચૂકવવાનું દબાણ કરવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર સીમા અને આકાશ વચ્ચે લગભગ 6 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને બંનેના લવ મેરેજ થવાના હતા. સીમા એ જ વિસ્તારમાં રહે છે અને તેને પણ આકાશના ગુનાહિત ઇતિહાસની જાણ હતી. આકાશ પર હત્યા સહિત 12થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા હોવાની જાણકારી સામે આવી છે, તે થોડા મહિનાઓ પહેલા જ જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો.
