અભિષેક-હાર્દિક પંડયાની તોફાની બેટિંગ, એક ઇનિંગમાં 17 છગ્ગાનો પણ રેકોર્ડ
ICC T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયા પાસેથી બધાને જે બેટિંગની અપેક્ષા હતી તે ઝિમ્બાબ્વે સામેની સુપર 8 મેચમાં સ્પષ્ટ દેખાઈ. ટોસ હારીને પહેલા બેટિંગ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા. ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે હાર્દિક પંડ્યાએ પણ અણનમ 50 રન બનાવ્યા. આ સાથે, ટીમ ઈન્ડિયાએ ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાનો સર્વોચ્ચ સ્કોર પણ હાંસલ કર્યો જેમાં 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.
ઝિમ્બાબ્વે સામેની સુપર 8 મેચમાં, ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં બે મોટા ફેરફારો કર્યા જેમાં અભિષેક શર્મા અને સંજુ સેમસનનો ઇનિંગ ઓપન કરવા માટે સમાવેશ થાય છે. ભારતીય ટીમે શરૂૂઆતથી જ આક્રમક બેટિંગ અભિગમ અપનાવ્યો અને તેના કારણે સ્કોર 20 ઓવરમાં 256 રન સુધી પહોંચી શક્યો. આ મેચ પહેલા, ટીમ ઈન્ડિયાનો ટી20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સ્કોર 218 રન હતો, જે તેણે 2007 ના ટી20 વર્લ્ડ કપમાં ડરબન ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં બનાવ્યો હતો.
હવે, આ 19 વર્ષ જૂના રેકોર્ડને તોડીને ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ટીમ ઈન્ડિયાની આ ઇનિંગમાં કુલ 17 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે અત્યાર સુધી ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઈપણ ઇનિંગમાં આટલા છગ્ગા ફટકાર્યા ન હતા. આ પહેલા, 2024 માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની ઇનિંગમાં કુલ 15 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા. ભારતે ઝિમ્બાબ્વેને 72 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. ભારતની જીતથી દક્ષિણ આફ્રિકા પણ સેમિફાઈનલ માટે ક્વોલિફાય થયું. પહેલા બેટિંગ કરતા ભારતે 256 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો. જવાબમાં ઝિમ્બાબ્વે ફક્ત 184 રન જ બનાવી શક્યું.
સેમિફાઇનલની આશા જીવંત
ઝિમ્બાબ્વે સામેની જીત સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું છે. આ જીત સાથે ભારતના હવે 2 પોઈન્ટ છે. જો સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માંગતી હોય, તો તેમણે આગામી મેચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવવું જ પડશે. જો વેસ્ટ ઇન્ડીઝ 1 માર્ચે કોલકાતામાં યોજાનારી મેચમાં ભારતને હરાવે છે, તો ભારતનું સેમિફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ જશે. જો વરસાદને કારણે આ મેચ રદ કરવામાં આવે છે, તો ભારત અને વેસ્ટ ઇન્ડીઝના ત્રણ-ત્રણ પોઈન્ટ થશે. આવી સ્થિતિમાં, વધુ સારા નેટ રન રેટવાળી ટીમ આગળ વધશે. ગ્રુપ 1ની વાત કરીએ તો, દક્ષિણ આફ્રિકાએ બંને મેચ જીતી છે અને 4 પોઈન્ટ ધરાવે છે, સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયું છે. વેસ્ટ ઇન્ડીઝે બે મેચ રમી છે અને એક જીતી છે. કિવી ટીમના 2 પોઈન્ટ છે. ભારતે પણ તેની બે મેચમાંથી એક જીતી છે અને 2 પોઈન્ટ છે (નેટ રન રેટ: -0.100). ઝિમ્બાબ્વે બંને મેચ હારી ગયું, જેનાથી તેમનું અભિયાન સમાપ્ત થયું.
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર
શ્રીલંકા – કેન્યા સામે 260 રન (2007)
ભારત – 256 રન વિરુદ્ધ ઝિમ્બાબ્વે (2026)
વેસ્ટ ઇન્ડીઝ – 254 રન વિરુદ્ધ ઝિમ્બાબ્વે (2026)
આયર્લેન્ડ – 235 રન વિરુદ્ધ ઓમાન (2026)
ઇંગ્લેન્ડ – 230 રન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2016)
