rajkot

વીંછિયાના વાંગધ્રા ગામની પ્રાથમિક શાળાના બાળકો પાસે શિક્ષકે ખેતરમાં મજૂરીકામ કરાવ્યું

Published

on

રાજકોટના વિંછીયા તાલુકાના વાંગધ્રા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે શાળાનો જ શિક્ષક ખેતરમાં મજૂરીકામ કરાવતો હોવાની ઘટનાની વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. જે વિડીયોમાં વાંગધ્રા પ્રાથમિક શાળા નજીક આવેલ ખેતરમાં શાળાનો જ શિક્ષક તેમના બાળકો પાસે મજૂરીકામ કરાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે શાળામાં અભ્યાસ કરવા અર્થે વિદ્યાર્થીઓ પાસે આવું મજૂરીકામ કરાવવું તે કેટલું યોગ્ય ગણાય? શું બાળકો શાળામાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે કે પછી મજૂરીકામ કરવા અર્થે વગેરે વેધક સવાલો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે. જો કે આ અંગે શાળાના વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું ત્યારે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, શાળાના શિક્ષકો દ્વારા તેમની પાસે અવાર-નવાર શિક્ષકોના ઘરના પાણીના ટાંકા તેમજ સાફ-સફાઈ કામ કરાવવામાં આવે છે. સાથે જ શાળામાં આવતા શિક્ષકો ચાલુ ક્લાસ દરમિયાન પાન-ફાકીનું સેવન કરતા હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવતા ખળભળાટ મચી ગયો હતો. ખરેખર જ્યાં શિક્ષણ અપાય છે તે જગ્યા ઉપર વ્યસનનું જ્ઞાન મળતું જોવા મળે તો વિદ્યાર્થીઓ પર આની કેવી અસર પડે તે આ બાબત પરથી અંદાજ લગાવી શકાય છે. જે જગ્યા ઉપર જ્ઞાન, શિક્ષણ, સમાજ, સંસ્કાર મેળવવાના હોય તે જગ્યા પર જો આવી રીતે નશાનું સેવન કરતા શિક્ષકો જોવા મળે અને બાળકો પાસે મજૂરીકામ કરાવતા હોય તેવું સામે આવે તો આવી બાબતો પરથી ભણશે ગુજરાત કે પછી મજૂરી શીખશે ગુજરાત, ભણશે ગુજરાત કે વ્યસન કરતા શીખે ગુજરાત જેવા વેધક સવાલો ઉભા થાય છે. જો કે વિંછીયા તાલુકામાં આવેલી આ શાળાની અંદર વિદ્યાર્થીઓ પાસે શિક્ષકો દ્વારા કામ કરવામાં આવતું હોવાનું સ્થાનિકોએ પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભૂતકાળમાં વિદ્યાર્થીઓ પાસે શાળાની અંદર શિક્ષકો દ્વારા કામ કરવામાં આવતું હતું. પરંતુ હવે તો વાત શાળાએથી ખેતર સુધી પહોંચી હોય તે આ પહેલી છે.જો કે આ ગંભીર પ્રશ્ને વાલીઓમાં શિક્ષકના આવા કાર્ય પ્રત્યે નારાજગી ઉઠવા પામતા ગામના જાગૃત નાગરિક તન્વીન પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ તાલુકા શિક્ષણ અધિકારીને લેખિત પત્ર લખી જવાબદારો સામે કડક પગલા રજૂઆત કરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version