સાયલા પાસેથી 26.89 લાખનું શંકાસ્પદ બાયોડીઝલ ઝડપાયુ

સુરેન્દ્રનગર નજીક સાયલા પાસે રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી રૂૂ.26.89 લાખના શંકાસ્પદ બાયોડીઝલ નો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે પોલીસે જ્વલનશીલ પ્રવાહીના નમૂના…

સુરેન્દ્રનગર નજીક સાયલા પાસે રાજકોટ રેન્જ આઈજીની ટીમે દરોડો પાડી રૂૂ.26.89 લાખના શંકાસ્પદ બાયોડીઝલ નો જથ્થો કબજે કર્યો હતો. આ મામલે પોલીસે જ્વલનશીલ પ્રવાહીના નમૂના લઈ વધુ તપાસ અર્થે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના ડોળીયા બાઉન્ડ્રીથી મુળી તરફ જતા રોડ ઉપર ભાડુકા ગામના પાટિયા નજીક આવેલા ’આદિત્ય એગ્રો એનર્જી’ પંપના કમ્પાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કમ્પાઉન્ડમાં ઉભેલા અશોક લેલન કંપનીના ટેન્કર નંબર જીજે-13-એક્ષ-3645 માંથી 35,864 લિટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂૂ. 26,89,800/- આંકવામાં આવી છે. પોલીસે ટેન્કર ચાલક સુબોધકુમાર ગોકુલસિંહ સીસોદીયા (રહે. શેખુપુર, તા. ટુંડલા, જિ. ફીરોજાબાદ, ઉત્તરપ્રદેશ) પાસે આ જથ્થા અંગેના બિલો માંગતા તેણે અલગ-અલગ શંકાસ્પદ બિલો રજૂ કર્યા હતા.

સમગ્ર મામલે સાયલા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસે ટેન્કર અને પ્રવાહીનો જથ્થો કબજે કરી, જ્વલનશીલ પ્રવાહીના નમૂના લઈ વધુ તપાસ અર્થે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની સૂચનાથી રાજકોટ રેન્જના પી.આઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી. મિયાત્રા તથા સ્ટાફના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અતુલભાઈ ડાભી, વકારભાઈ અરબ, હિતેશભાઈ જોગરાણા, અજયવીરસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધવ, ફતેસંગ પરમાર, વિજયસિંહ પરમાર અને રાજુભાઈ પઢેરીયાએ કામગીરી કરી હતી.