મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની મહાજીત થઈ છે. જોકે હવે સરકાર રચવાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકારની રચનામાં થોડો સમય લાગી શકે છે. મુખ્યમંત્રીના નામને લઈને ભાજપના નેતૃત્વમાં મંથન ચાલી રહ્યું છે. નામ નક્કી થતાં જ ભાજપ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે. આ પછી નવી સરકારની રચનાનો રસ્તો સાફ થઈ જશે. આ દરમિયાન શિવસેના અને એનસીપીએ સ્પષ્ટ કર્યું છે કે, મુખ્યમંત્રીના નામનો નિર્ણય ભાજપના નેતૃત્વ પર છોડવામાં આવ્યો છે. બંને પક્ષોએ કહ્યું છે કે, જે પણ નિર્ણય લેવામાં આવશે તે બંને ઘટક પક્ષોને સ્વીકાર્ય રહેશે.
મહાયુતિની જોરદાર જીત બાદ મહાયુતિ સરકારમાં પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નામ ભાજપના મુખ્યમંત્રી પદ માટે આગળ આવી રહ્યું છે. જોકે પક્ષની નેતાગીરી હજુ સુધી આ અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી અને એવી અટકળો ચાલી રહી છે કે, ભાજપ નેતૃત્વ કેટલાક અન્ય નામો પર પણ વિચાર કરી રહી છે. જેમાં ઓબીસી અને મરાઠા સમુદાયના નેતાને મુખ્યમંત્રી બનાવવાનો વિકલ્પ પણ સામેલ છે. તે લગભગ સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી ભાજપના હશે જ્યારે ઉપમુખ્યમંત્રી પદ માટે એનસીપી અને શિવસેનાના નેતાઓ હશે.
ગત સરકારમાં ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી હતા. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે નવી સરકારમાં એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. જો કે કેન્દ્રીય સ્તરે હજુ સુધી આ અંગે કોઈ ઔપચારિક ચર્ચા થઈ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના પોતાના ધારાસભ્યોને આકર્ષવા માટે રાજ્યના નેતૃત્વમાં એકનાથ શિંદેને જાળવી રાખવા માંગે છે. શિંદેને કેન્દ્રમાં મોકલવાથી શિવસેનાને નુકસાન થઈ શકે છે. તેથી શિંદે રાજ્ય સરકારમાં પણ સામેલ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત શિંદેને કેન્દ્રમાં મોકલવામાં આવે અને તેમના પુત્રને રાજ્યમાં નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવે તેવી ફોર્મ્યુલા પણ ચર્ચાઈ રહી છે.