બેડલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકાએ મિત્રની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી!

રાજકોટની ભાગોળે આવેલા બેડલા ગામે મિત્રની ધોકાના ઘા ફટકારી હત્યા કર્યા બાદ લાશ સ્મશાનમાં દાટી દીધી હતી. દરમિયાન ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે સ્મશાનમાંથી…

રાજકોટની ભાગોળે આવેલા બેડલા ગામે મિત્રની ધોકાના ઘા ફટકારી હત્યા કર્યા બાદ લાશ સ્મશાનમાં દાટી દીધી હતી. દરમિયાન ગ્રામજનો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે સ્મશાનમાંથી લાશ બહાર કાઢી હત્યા કરનાર બેડલા ગામે રહેતા શખસ અને લાશ છુપાવવામાં તેની મદદગારી કરનાર તેની પત્ની બંનેને ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દંપતી અને મૃતક ત્રણેય સાથે રહેતા હોય આરોપીને મૃતક અને તેની પત્ની વચ્ચે આડા સંબંધ હોવાની શંકા હોય જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયા બાદ તેણે યુવાનની હત્યા કરી નાખી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ કે.પી. તરેટીયાને ગ્રામજનો પાસેથી એવી માહિતી મળી હતી કે, ગામમાં રહેતા એક યુવાનની હત્યા કરવામાં આવી છે. જેથી પીઆઇ સહિતનો સ્ટાફ તત્કાલ ગામમાં આવેલા સ્મશાનમાં પહોંચ્યો હતો અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને એફએસએલ અધિકારીઓને પણ બોલાવી લીધા હતા. સ્મશાનમાં ખોદકામના તાજા નિશાનના આધારે અહીં ખોદકામ કરાવતા મૂળ અમરેલીના ઢસા તાલુકાના દેરડી ગામના સંજય હકાભાઇ વાઘેલા (ઉ.વ.25) ની લાશ મળી આવી હતી. અહીં ફોરેન્સિક નિષ્ણાંત તબીબોએ પોસ્ટમોર્ટમ કર્યું હતું.

તપાસમાં મૃતક સંજય છેલ્લા છએક વર્ષથી બેડલા ગામે રહેતા જગદીશ કાળુ કબીરા (ઉ.વ.30) સાથે રહેતો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે તુરંત જગદીશને ઉઠાવી લઈ તેની પૂછતાછ કરતા તેણે જ હત્યા કર્યાનું કબૂલ્યું હતું તેમજ આ હત્યામાં તેની પત્ની હીનાએ મદદગારી કરી હોવાનું પણ સામે આવતા પોલીસે તેની પણ અટક કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સંજય અને આરોપી જગદીશ બંને માલ ઢોર ચરાવવાની સાથે ઢોલ વગાડવાનું કામ કરતા હતા. બંને વચ્ચે મિત્રતા હતી મૃતક તથા આરોપી અને તેની પત્ની ત્રણેય સાથે જ રહેતા હતા. આરોપી જગદીશ કબીરાને એવી શંકા હતી કે, મૃતક સંજયને તેની પત્ની સાથે આડા સંબંધ છે જેથી આ બાબતે બંને વચ્ચે અગાઉ પણ ઝઘડા થતા રહેતા હતા.

દરમિયાન ગઇ તા. 6 ના પણ બંને વચ્ચે આ બાબતે ઝઘડો થયા બાદ જગદીશે ધોકાના ઘા ફટકારી સંજયની હત્યા કરી હતી. તેના જ મકાનમાં ઘટના બન્યા બાદ તેણે પત્ની હીનાની મદદથી લાશ બાંધી કોથળામાં નાખી દીધી હતી. ત્યાર પછી પત્નીને કોથળા સાથે પાછળ બેસાડી ગામના સ્મશાનમાં પહોંચ્યો હતો જ્યાં લાશ દાટી દીધી હતી.વધુમાં પોલીસ સૂત્રોએ, મૃતક સંજય અપરિણીત હતો તેના માતા પિતા હયાત નથી તેના દાદી સુરત રહે છે. જ્યારે આરોપીને સંતાનમાં ત્રણ પુત્રો છે. મૃતકના વાલીવારસ ન હોવાથી એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ. જાડેજાએ સરકાર તરફે ફરિયાદી બની હત્યા કરનાર જગદીશ કબીરા અને આ હત્યામાં પુરાવાનો નાશ કરી તેની મદદગારી કરનાર તેની પત્ની હીના બંને સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.