મિત્રતા જોઇતી હોય તો સરહદ પર લોહી વહેતું અટકાવો

બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ બાદ સત્તાના સૂત્રો સંભાળનાર વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના સંબંધોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ગંભીર સંદેશ મોકલ્યો છે. ત્રિપુરા સરહદ…

બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ બાદ સત્તાના સૂત્રો સંભાળનાર વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના સંબંધોને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને ગંભીર સંદેશ મોકલ્યો છે. ત્રિપુરા સરહદ પર સીમા સુરક્ષા દળ દ્વારા બે બાંગ્લાદેશી નાગરિકોને ઠાર મારવાની ઘટના બાદ બાંગ્લાદેશ સરકારની પ્રતિક્રિયા સામે આવી છે. વડાપ્રધાનના વરિષ્ઠ સલાહકારે સ્પષ્ટ કર્યું હતું કે, જો સરહદ વારંવાર લોહીથી લાલ થતી રહેશે, તો બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા મુશ્કેલ બનશે.

શુક્રવારે રાત્રે ત્રિપુરાના સેપાહિજલા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર તણાવ સર્જાયો હતો. BSFના જણાવ્યા અનુસાર, કમલાસાગર બોર્ડર આઉટપોસ્ટ પાસે કેટલાક શંકાસ્પદ દાણચોરો સરહદ ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ચેતવણી આપવા છતાં ન રોકાતા BSF એ આત્મરક્ષણ અને ઘૂસણખોરી રોકવા માટે ગોળીબાર કર્યો હતો, જેમાં બે બાંગ્લાદેશી નાગરિકોના મોત થયા હતા. બાદમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા હતા.

આ ઘટનાના વિરોધમાં વડાપ્રધાન તારિક રહેમાનના રાજકીય સલાહકાર રુહુલ કબીર રિઝવીએ રવિવારે ઢાકા ખાતે ડિપ્લોમા એન્જિનિયરોના રાષ્ટ્રીય સંમેલનમાં ભારતને ઉદ્દેશીને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, અમે ભારત સાથે સમાનતા અને સન્માનના આધારે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા માંગીએ છીએ. પરંતુ મિત્રતા અને ગોળીબાર એકસાથે ન ચાલી શકે. જો સરહદ પર વારંવાર બાંગ્લાદેશી નાગરિકોનું લોહી વહેશે, તો સંબંધોની હૂંફ જાળવી રાખવી તેહરાન અને દિલ્હી બંને માટે પડકારજનક રહેશે.