કલાનિધિ મારન અંગેના જૂના કેસમાં સ્ટે આપવાનો સાફ ઇનકાર: વિલંબ બદલ એક લાખનો ટોકન દંડ
ભારતની અગ્રણી એરલાઇન્સ પૈકીની એક ’સ્પાઇસજેટ’ અત્યારે કાયદાકીય ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના તે આદેશ પર સ્ટે આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે, જેમાં એરલાઇનને ₹144.51 કરોડ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા એરલાઇનની અરજી ફગાવી દીધી છે.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે સ્પાઇસજેટ આ કેસને લાંબા સમય સુધી ખેંચી રહી છે. કોર્ટે એરલાઇન પર ₹1 લાખનો દંડ લાદતા ચેતવણી આપી હતી કે જો હજુ પણ વિલંબ કરવામાં આવશે તો આ દંડ વધારીને ₹2 લાખ કરી દેવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દિલ્હી હાઈકોર્ટના આદેશ મુજબ કંપનીએ છ અઠવાડિયાની અંદર બાકી રકમ જમા કરાવવી જ પડશે.
આ વિવાદ જાન્યુઆરી 2015થી ચાલી રહ્યો છે. ત્યારે કલાનિધિ મારન અને ’’KAL એરવેઝ’ એ તેમનો 58.46% હિસ્સો અજય સિંહને ટ્રાન્સફર કર્યો હતો. આ સોદામાં ક્ધવર્ટિબલ વોરંટ અને પ્રેફરન્સ શેરના મુદ્દે મતભેદ સર્જાયા હતા. મારને દાવો કર્યો હતો કે તેમને વચન મુજબના શેર મળ્યા નથી અને નાણાં રિફંડ માંગ્યા હતા. 2018માં આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે સ્પાઇસજેટને રૂૂ. 579 કરોડ વ્યાજ સાથે પરત કરવાનો આદેશ આપ્યો હતો.
દિલ્હી હાઈકોર્ટે અગાઉ અવલોકન કર્યું હતું કે સ્પાઇસજેટે પોતે સ્વીકાર્યું હતું કે તેમણે ₹194.51 કરોડ ચૂકવવાના બાકી છે. જેમાંથી ₹50 કરોડ ચૂકવાઈ ગયા હોવાથી હવે ₹144.51 કરોડ બાકી નીકળે છે. હાઈકોર્ટે બંધારણની કલમ 144નો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવું દરેક માટે અનિવાર્ય છે. અહેવાલ મુજબ, આ આદેશ સ્પાઇસજેટ માટે મોટો ફટકો છે, કારણ કે એરલાઇન પહેલેથી જ વિમાનો ગ્રાઉન્ડેડ થવા અને લેણદારો દ્વારા કરવામાં આવેલી નાદારીની અરજીઓ જેવી નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે.
