ઇ-ફાર્મસી સામે હડતાળ, બન્ને બાજુ સમજવી જરૂરી

ભારતમાં દવાઓના ઓનલાઈન વેચાણ મુદ્દે લાંબા સમયથી કકળાટ ચાલી રહ્યો છે અને દવાઓની દુકાનોનું બનેલું એસોસિએશન ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ’ (એઆઈઓસીડી) ઓનલાઇન…

ભારતમાં દવાઓના ઓનલાઈન વેચાણ મુદ્દે લાંબા સમયથી કકળાટ ચાલી રહ્યો છે અને દવાઓની દુકાનોનું બનેલું એસોસિએશન ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ’ (એઆઈઓસીડી) ઓનલાઇન દવાઓના વેચાણ એટલે કે ઈ-ફાર્મસી પર પ્રતિબંધની માગ કરી રહ્યો છે. આ માગના સમર્થનમાં બુધવારે ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ (એઆઈઓસીડી) દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાલ પાડવામાં આવી. હડતાલ દરમિયાન દર્દીઓને જીવનરક્ષક દવાઓ સરળતાથી મળી રહે તે માટે એસોસિએશને ખાસ વ્યવસ્થા ગોઠવી હોવાથી ઘણાં સ્ટોર ખુલ્લા રખાયેલા.

મોટી હોસ્પિટલો કે દવાખાના ના હોય એવા ગ્રામ્ય વિસ્તારોમાં દર્દીઓની સુવિધા માટે ગામ દીઠ ઓછામાં ઓછી એક દવાની દુકાન ખુલ્લી રખાયેલી. દેશભરમાં તમામ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો’ પર પણ દવાઓનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રખાયેલું તેથી સાવ અંધાધૂંધી ના થઈ પણ લોકોને તકલીફો તો પડી જ છે. દવાઓની દુકાનોવાળાઓનું કહેવું છે કે, ઓનલાઈન દવાઓનું બેફામ વેચાણ થઈ રહ્યું છે અને ઈ-ફાર્મસી ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે તેના કારણે મેડિકલ સ્ટોરના ધંધાને ફટકો પડ્યો જ છે પણ મોટો ખતરો નકલી દવાઓનો છે. ઓનલાઇન ફાર્મસીઓ દ્વારા નકલી દવાઓનું વેચાણ વધી રહ્યું છે તેના કારણે દર્દીઓની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.

આ ખતરાને રોકવા માટે ઓનલાઈન દવાઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. મેડિકલ સ્ટોર એસોસિએશને ત્રણ માગણીઓ મૂકી છે ને તેનો સૂર એ જ છે કે, ઓનલાઈન દવાઓનું વેચાણ ના થવું જોઈએ. આ પૈકી પહેલી માગણી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડ્રગ્સ અને કોસ્મેટિક્સ નિયમો, 1945માં સુધારો કરવા માટે 2018માં બહાર પડાયેલું ડ્રાફ્ટ નોટિફિકેશન જીએસઆર 217 રદ કરવાની છે. આ નોટિફિકશનમાં ઈ-ફાર્મસીઓના નિયમન માટેનું માળખું બનાવવાની દરખાસ્ત છે.

ઈ-ફાર્મસીનું રજિસ્ટ્રેશન, પ્રિસ્ક્રિપ્શન ચકાસણી, ફરિયાદ વગરે મુદ્દાને તેમાં આવરી લેવાયા છે પણ મેડિકલ સ્ટોર્સના વિરોધને કારણે તેને લગતો કાયદો બન્યો નથી. સામે મોદી સરકારે આ નોટિફિકેશન રદ પણ કર્યું નથી તેથી ઈ-ફાર્મસી બિઝનેસ ધમધોકાર ચાલે છે. જે દવા સ્ટોરમાં મેક્સિમમ રિટેઈલ પ્રાઈસ (એમઆરપી) કરતાં એક પૈસા ઓછામાં નથી મળતી એ જ દવા ઓનલાઈન પંદર-વીસ ટકા ઓછા ભાવે મળતી હોય તો લોકો દુકાનદારોને વધારે પૈસા આપીને તેમની પાસેથી જ દવા ખરીદે એવા મૂરખ થોડા છે? લોકો પોતાનો ફાયદો જુએ કે નહીં? આ દવાઓ ગેરકાયદેસર નથી પણ સરકારે માન્યતા આપેલી ઈ-ફાર્મસી દ્વારા વેચાય છે તેથી તેની વિશ્વસનિયતા સામે પણ કોઈ શંકા નથી. ઓનલાઈન દવાઓની ખરીદી કરનારાંને સમસ્યાઓની ફરિયાદો પણ બહુ નથી તેથી લોકો માટે ઈ-ફાર્મસી સારા વિકલ્પ બની ગયો છે.

દવાના દુકાનદારોની હાલત દુ:ખે છે પેટ ને કૂટે છે માથું જેવી છે. એ લોકોએ વરસો લગી લોકોને લૂંટ્યા જ છે અને કદી ગ્રાહકોને એક પૈસાનો ફાયદો આપ્યો નથી. હવે હરીફાઈ તીવ્ર મેં બની તેનો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે એ તેમનાથી સહન થતું નથી. મેક્સિમમ રિટેઈલ પ્રાઈસ (એમઆરપી)નો અર્થ મહત્તમ કિંમત થાય છે પણ દુકાનદારોએ તેને જ ભાવ બનાવી દીધો છે. આ ભાવથી ઓછા ભાવે પણ દવા આપી શકાય પણ ઈ-ફાર્મસી નહોતી ત્યારે કોઈ દુકાનદાર એમઆરપીથી ઓછા ભાવે દવાઓ વેચતો હોવાનું સાંભળ્યું નથી. હવે રેલો આવ્યો છે ત્યારે મેડિકલ સ્ટોર પણ ઓછામાં ઓછું 15 ટકા ડિસ્કાઉન્ટ ને 20 ટકા ડિસ્કાઉન્ટ એવી સ્કીમો લાવ્યા છે. તેનો અર્થ એ થયો કે, 20 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ તેમને નફો તો મળે જ છે ને અત્યાર લગી ગ્રાહકોને કોઈ ફાયદો નહીં કરાવીને તેમણે આખો લાડવો જ ખાધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *