પ્રતિમાઓ મૂક રહે છે પણ રાજકીય પક્ષો તેના દ્વારા તેમની વિચારધારાનો સંદેશ આપવા પ્રયાસ કરે છે
પ્રતિમાઓ જીવંત લાગે છે, પરંતુ તે ક્યારેય બોલતી નથી. પરંતુ જ્યારે રાજકારણની વાત આવે છે, ત્યારે મૂર્તિઓ પણ બોલવા લાગે છે. દાયકાઓથી, ઉત્તર પ્રદેશના રાજકારણમાં મૂર્તિઓના અનામી અવાજો માત્ર વિચારધારાના પ્રચારનું માધ્યમ નથી રહ્યા પરંતુ સમયાંતરે વોટ બેંકોને પણ મજબૂત બનાવ્યા છે. કોંગ્રેસથી લઈને સમાજવાદી પાર્ટી, બસપા અને ભાજપ સુધી, બધાએ પોતપોતાની વિચારધારા અનુસાર મૂર્તિઓ સ્થાપિત કરી છે.
ગઇકાલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું ત્યારે આ શ્રેણીમાં એક નવો અધ્યાય ઉમેરાયો. આ પ્રેરણા સ્થળ પર ત્રણ અગ્રણી જન સંઘ અને ભાજપના નેતાઓ – ડો. શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીન દયાળ ઉપાધ્યાય અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયી – ની પ્રતિમાઓનું પણ અનાવરણ કરવામાં આવ્યું. ભાજપે આ 65 ફૂટની કાંસ્ય પ્રતિમાઓ દ્વારા અનેક સંદેશા આપવાનો પ્રયાસ કર્યો છે.
ઉત્તર પ્રદેશમાં પ્રતીકોની રાજનીતિમાં ઉદ્યાનો, પ્રેરણા સ્થળ અને સ્મારકો કેન્દ્ર સ્થાને રહે છે. કોંગ્રેસે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ, તેમજ ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જેવા તેના વિચારધારાના નેતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરી, જ્યારે સમાજવાદી પાર્ટીએ રામ મનોહર લોહિયા, જય પ્રકાશ નારાયણ અને જનેશ્વર મિશ્રા જેવા સમાજવાદી નેતાઓની પ્રતિમાઓ સ્થાપિત કરી હતી.
બહુજન સમાજ પાર્ટીની વાત કરીએ તો, બસપાએ લખનૌથી નોઈડા સુધી અનેક સ્મારકો બનાવ્યા. બંને શહેરોમાં આંબેડકર પાર્ક વિવિધ કારણોસર વિવાદમાં ફસાયેલો છે. લખનૌમાં આશરે 700 કરોડ રૂૂપિયાના ખર્ચે બનેલા આંબેડકર પાર્કમાં હાથીની મોટી પ્રતિમાઓ પર આશરે 40 કરોડ રૂૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. નાના અને મોટા એમ કુલ 3,000 હાથીની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. મહાન વ્યક્તિઓની પ્રતિમાઓ ઉપરાંત, માયાવતીએ પોતે પોતાની પ્રતિમાઓ સ્થાપિત કરી હતી, જેનાથી રાજકીય વિવાદ થયો છે.
મૂર્તિઓ મામલે માયાવતીને કોઇ પહોંચે નહીં
મૂર્તિઓ સ્થાપિત કરવાની વાત આવે ત્યારે બસપા ચીફ માયાવતીની નજીક કોઈ આવતું નથી. 2012માં જ્યારે અખિલેશ યાદવ મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમણે અગાઉની બસપા સરકાર પર 40,000 કરોડ રૂૂપિયાના પ્રતિમા કૌભાંડનો આરોપ લગાવ્યો. તે સમયે એવું અહેવાલ આવ્યું હતું કે બસપા સરકાર દરમિયાન પ્રતિમાઓના નિર્માણ પર 6,000 કરોડ રૂૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આમાં કાંશીરામ પ્રેરણા સ્થળ સહિત અન્ય સ્મારકોનો ખર્ચ પણ સામેલ હતો. સમાજવાદી પાર્ટીએ લખનૌના ગોમતી નગરમાં એશિયાનો સૌથી મોટો પાર્ક, જનેશ્વર મિશ્રા પાર્ક પણ બનાવ્યો હતો. જનેશ્વર મિશ્રાની પ્રતિમા 25 ફૂટ ઊંચી છે અને તેનું વજન આશરે 19 ટન છે. જનેશ્વર મિશ્રા પાર્કના નિર્માણમાં આશરે 300 કરોડ રૂૂપિયાનો ખર્ચ થયો હતો. તેવી જ રીતે, ગોમતી નગરમાં ડો. રામ મનોહર લોહિયા પાર્ક પણ બનાવવામાં આવ્યો હતો. જોકે અખિલેશ યાદવ માયાવતી જેટલી પ્રતિમાઓ સ્થાપિત કરી શક્યા ન હતા, પરંતુ હવે તેમણે ઘણી વધુ પ્રતિમાઓ સ્થાપિત કરવાનું વચન આપ્યું છે.
