ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહા કુંભમાં થયેલી નાસભાગને લઈને પહેલીવાર મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ મંગળવારે કહ્યું હતું કે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાના દિવસે અમૃતસ્નાન દરમિયાન જે નાસભાગ મચી હતી તે એક ષડયંત્ર હતું અને એક વખત તેમાં સામેલ લોકોની ઓળખ થઈ જશે તો તેમને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.
યોગીએ કહ્યું કે સરકાર અને પોલીસ દ્વારા રચવામાં આવેલ પંચ તેની તપાસ કરી રહ્યું છે.
યોગીએ મંગળવારે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે મહાકુંભમાં સ્નાન કર્યું હતું. મુખ્યમંત્રીએ મહાકુંભ નાસભાગ અંગે સંસદમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ દ્વારા કરાયેલા નિવેદનોને પણ ખોટા અને સનાતન વિરોધી ગણાવ્યા.પત્રકારો સાથે વાત કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે, નસ્ત્રજ્યારે દેશ અને દુનિયા સનાતન ધર્મની ભવ્ય ઘટના જોઈને ગર્વ અનુભવી રહી છે, ત્યારે જેમને સનાતન ધર્મને બદનામ કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તેઓ મહા કુંભને લઈને રોજે રોજ કપટની નવી વાર્તાઓ રચી રહ્યા છે.
નાસભાગમાં મૃતકોની સંખ્યા વિશે ખડગેના દાવા અંગે, મુખ્યમંત્રીએ કહ્યું કે તે માત્ર કમનસીબ અને ભ્રામક જ નહીં પરંતુ શરમજનક અને નિંદનીય પણ છે. તેમણે કહ્યું કે ખડગે અને અખિલેશ યાદવ સૌથી વધુ સનાતન વિરોધી નિવેદનો કરવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા છે. મૌની અમાવસ્યાની ઘટના પર ડેટા ન આપવાના આરોપોને નકારી કાઢતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે અને વહીવટીતંત્રે સાર્વજનિક રીતે ડેટા શેર કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ એક દુ:ખદ ઘટના છે અને દરેક વ્યક્તિ તેનાથી ખૂબ જ દુ:ખી છે.
સનાતન ધર્મને બદનામ કરવાનો પ્રયાસ: યોગી
મુખ્ય પ્રધાને વિરોધ પક્ષોના દાવાને ફગાવી દીધા હતા કે લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી શકતા નથી અને અમૃત અને શાહી સ્નાન લઈ શકતા નથી. હિન્દુત્વનો ફાયરબ્રાન્ડ ચહેરો ગણાતા યોગીએ આક્ષેપ કર્યો હતો કે આ આરોપો ભ્રામક છે અને સનાતન ધર્મને બદનામ કરવાના ષડયંત્રનો ભાગ છે. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે કેટલાક જૂથો પૈસા લઈને સનાતન ધર્મને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે પરંતુ તેમના કાવતરા સફળ થશે નહીં. તેમણે કહ્યું કે અમે 29 જાન્યુઆરીની ઘટનાની તપાસ કરીશું અને કાવતરાખોરોનો પર્દાફાશ કરીશું.