ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થયો નથી છતાં નરેન્દ્ર મોદી સરકાર અભિનંદનો ઝીલી રહી છે ત્યાં જ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી જાત બતાવી છે. ડોનલ્ડ ટ્રમ્પે ભારતમાંથી થતી સૌર ઊર્જા ઉત્પાદનોની આયાત પર અધધધ 125 ટકા કાઉન્ટર વેઈલિંગ ડ્યૂટી ઠોકી દીધી છે. આ ડ્યૂટી પાછી પ્રાથમિક છે તેથી ભવિષ્યમાં વધી શકે છે એ જોતાં ટ્રમ્પે ભારતની સૌર ઊર્જાની આયાત માટેના દરવાજા બંધ કરી દેવાનો તખ્તો જ ઘડી દીધો છે. કોઈ સરકાર પોતાની ચોક્કસ પ્રોડક્ટની નિકાસ વધે એ માટે સબસિડી આપે તેના જવાબમાં લગાવાતી ડડ્યૂટીને કાઉન્ટર વેઈલિંગ ડ્યૂટી કહે છે.
વિદેશી સરકાર સબસિડી આપીને પોતાના ઉત્પાદકોને ફાયદો કરાવે પણ તેના કારણે જ દેશમાં આયાત થતી હોય એ દેશના ઉત્પાદકોને નુકસાન થતું હોય છે કેમ કે વિદેશી પ્રોડક્ટ સસ્તા ભાવે મળે છે. સ્થાનિક ઉદ્યોગોને સબસિડીવાળી ઓછી કિંમતની આયાતથી થતા નુકસાનથી બચાવવા માટે કાઉન્ટરવેઈલિંગ ડ્યુટી વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યુટીઓ)ના નિયમો હેઠળ પણ માન્ય છે ને તેના પર કોઈ મર્યાદા નથી.
જે દેશમાં આયાત થતી હોય એ દેશની સરકાર ધારે એટલી કાઉન્ટર વેઈલિંગ ડ્યૂટી લગાવી શકે છે ને ટ્રમ્પે તેનો જ ફાયદો ઉઠાવીને સૌર ઊર્જા પર 126 ટકા કાઉન્ટરવેઈલિંગ ડ્યૂટી ઠોકી બેસાડી છે. ભારત અમેરિકામાં મોટા પ્રમાણમાં સોલર સેલ્સ એટલે કે સૌર કોષો અને સોલર પેનલ્સ મોકલે છે. આપણી સરકાર સોલર સેલ્સ અને સોલર પેનલ્સની નિકાસ વધે એ માટે સબસિડી આપે છે પણ ટ્રમ્પને તેની સામે વાંધો પડ્યો છે. અમેરિકાના વ્યાપાર વિભાગના કહેવા પ્રમાણે, ભારત સરકાર તેનાં સૌર ઉત્પાદનો પર 125.87 ટકા સબસિડી આપે છે તેથી 126 ટકા ડયુટી લગાવવી જરૂૂરી છે. ટ્રમ્પ સરકારે ઈન્ડોનેશિયાનાં સૌર ઊર્જા ઉત્પાદનો પર 105 ટકા અને લાઓસનાં ઉત્પાદનો પર 81 ટકા ડડ્યૂટી લગાવી દીધી છે કેમ કે ઇન્ડોનેશિયાની સરકાર 104.38 ટકા અને લાઓસની સરકાર 80.67 ટકા સબસિડી આપે છે.
ભારતમાં તો સૌર ઊર્જા ઉત્પાદનો બનાવનારા પણ રાતા પાણીએ રડશે કેમ કે અમેરિકામાં નિકાસ થવા માંડી તેમાં ભારતમાં ધડાધડ ફેક્ટરીઓ ઊભી થઈ ગયેલી. ભારત જાન્યુઆરી 2026 સુધીમાં સ્થાપિત ક્ષમતા 160 ગીગાવોટથી વધારે છે જ્યારે સ્થાનિક માગ વાર્ષિક 40 થી 45 ગીગાવોટની રેન્જમાં છે. આ માગ પણ મોટા ભાગે ચાઈનીઝ માલથી પૂરી થાય છે તેથી ભારતમાં ઉત્પાદકોની હાલત કફોડી થઈ જશે.
