રૂબાબુદ્ીનની અરજી ફગાવતા કોર્ટે સ્પષ્ટ કર્યું કે ટ્રાયલ કોર્ટના ચૂકાદામાં દખલ કરવા માટે કોઇ મજબૂત પુરાવા નથી
બોમ્બે હાઈકોર્ટે આજે સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને સહયોગી તુલસીરામ પ્રજાપતિના કથિત ફેક એન્કાઉન્ટર કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ કેસના તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખતા, પીડિત પરિવાર દ્વારા કરવામાં આવેલી અપીલોને ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંખાદની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટનો 2018નો ચુકાદો યોગ્ય છે.
સોહરાબુદ્દીનના ભાઈઓ રુબાબુદ્દીન અને નાયબુદ્દીને 2019માં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેમની દલીલ હતી કે ટ્રાયલ કોર્ટની સુનાવણીમાં ખામીઓ હતી અને પુરાવાઓનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. તેમણે એવી પણ ફરિયાદ કરી હતી કે સીબીઆઈ દ્વારા મહત્વના સાક્ષીઓ અને મેજિસ્ટ્રેટોને સમન્સ પાઠવવામાં આવ્યા નહોતા. જોકે, સીબીઆઈએ હાઈકોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ટ્રાયલ કોર્ટના ચુકાદાને સ્વીકારે છે અને તેને પડકારવાનો કોઈ નિર્ણય લીધો નથી. હાઈકોર્ટે આ તમામ દલીલો સાંભળ્યા બાદ વર્ષ 2025માં ઓર્ડર અનામત રાખ્યો હતો, જેનો ચુકાદો આજે જાહેર કરવામાં આવ્યો છે.
આ કેસની શરૂૂઆત 23 નવેમ્બર 2005ના રોજ થઈ હતી, જ્યારે સોહરાબુદ્દીન શેખ, કૌસર બી અને તુલસીરામ પ્રજાપતિનું હૈદરાબાદથી સાંગલી જતી લક્ઝરી બસમાંથી કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું. સીબીઆઈનો દાવો હતો કે સોહરાબુદ્દીન અને પ્રજાપતિને બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા હતા, જ્યારે કૌસર બીની હત્યા કરીને તેના મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં વર્તમાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ પણ આરોપી હતા, પરંતુ ડિસેમ્બર 2014માં જજ એમ.બી. ગોસાવીએ તેમને આરોપમુક્ત કર્યા હતા.
સુપ્રીમ કોર્ટના આદેશથી 2012માં આ કેસ ગુજરાતથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 21 ડિસેમ્બર 2018ના રોજ સ્પેશિયલ સીબીઆઈ જજ એસ.જે. શર્માએ તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, જેમાં ગુજરાત, રાજસ્થાન અને આંધ્રપ્રદેશના નિવૃત્ત અને કાર્યરત પોલીસકર્મીઓનો સમાવેશ થતો હતો. ટ્રાયલ દરમિયાન 210 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 92 સાક્ષીઓ ફરી ગયા હતા. ટ્રાયલ કોર્ટે તેના 358 પાનાના ચુકાદામાં નોંધ્યું હતું કે માત્ર શંકા કે નૈતિક આધારો પર આરોપીઓને દોષિત ઠેરવી શકાય નહીં, કારણ કે પ્રોસિક્યુશન હત્યા અને કાવતરાના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. હવે હાઈકોર્ટે પણ આ જ તર્કને માન્ય રાખીને ચુકાદો આપ્યો છે.
