આ પહેલા અનિતા ડોંગરે અને દીપિકા મૂત્યાલાની બાર્બી ડોલ બની છે
સ્મૃતિ મંદાનાને વધુ એક સન્માન મળ્યું છે, તે દેશની પહેલી એવી મહિલા ક્રિકેટર બની છે, જેની પોતાની બાર્બી ડોલ બની છે, તેને આ સ્પોર્ટ્સ વીમેન કેટેગરીની બાર્બીનું સન્માન મળવાની ઘટનાએ ઇતિહાસ સર્જ્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટમાં તેણે લખ્યું, ’હું હજી પણ આ ક્ષણને પચાવી રહી છું મારી સફરથી પ્રેરિત એક અનોખી બાર્બી ડોલને જોવી એ એવી વાત છે જેની મેં બાળપણમાં ક્યારેય કલ્પના પણ નહોતી કરી.
ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છે અને જો મારી કહાની એક પણ છોકરીને એ માનવામાં મદદ કરે કે મેદાન પર તેનું પણ સ્થાન છે, તો તે મારા માટે બધું જ છે. વિશ્વભરની પોતાના ક્ષેત્રોમાં અવરોધો તોડી રહી છે એવી અદ્દભુત મહિલાઓ સાથે બાર્બીની ’ડ્રીમ ટીમ’નો ભાગ બનવું મારા માટે ગૌરવની વાત છે.
આ પહેલી વાર નથી જ્યારે બાર્બીએ વિશ્વ સ્તરે ભારતીય પ્રતિનિધિત્વને ઉજાગર કર્યું હોય. બે વર્ષ પહેલાં અનિતા ડોંગરે અને મેટેલે મળીને દિવાળીથી નિમિત્તે બાર્બી રજૂ કરી હતી, જેમાં બાર્બીને પરંપરાગત રાજસ્થાની પોશાક પહેરાવવામાં આવ્યો હતો. ડાર્ક બ્લુ રંગની સ્લીવલેસ કોટી અને ’મૂનલાઇટ બ્લૂમ’ લેહેંગા, જેમાં નાની નાની ફૂલોની ડિઝાઇન હતી, સૌથી પહેલી ભારતીય બાર્બી ડોલ દીપિકા મૂત્યાલાથી પ્રેરિત હતી, જે લાઇવ ટીન્ટેડ કંપનીનાં સ્થાપક અને સીઈઓ છે આ કંપનીએ બ્રાઉન સ્કિન મેકઅપને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે. તે ઉપરાંત કેટરિના કૈફ સહીત કેટલીક બોલિવૂડ એક્ટ્રેસની બાર્બી ડોલ પણ બની છે.
