મોંઘવારીના સતત માર વચ્ચે સામાન્ય પ્રજાજનો માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરના દિવસોમાં ખાંડ અને શાકભાજી સહિતની તમામ જીવનજરૂૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો નોંધાયા બાદ હવે વીજળીના વપરાશ પર પણ મોંઘવારીનો નવો ડોઝ આપવામાં આવ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા ફ્યુઅલ એન્ડ પાવર પરચેઝ એડજસ્ટમેન્ટ સરચાર્જ (FPPAS) હેઠળ યુનિટ દીઠ 35 પૈસાનો વધારો જાહેર કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નવા દરના અમલીકરણથી સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકના અંદાજે 62.59 લાખ વીજ ગ્રાહકો પર સીધો આર્થિક બોજ આવી પડ્યો છે.
આ વધારાને કારણે વીજ ગ્રાહકોના માસિક બિલમાં અંદાજે 7 ટકા જેટલો મોટો ઉછાળો જોવા મળશે.
GUVNLના જનરલ મેનેજર દ્વારા તા. 3 સપ્ટેમ્બરના રોજ આ અંગેનો સત્તાવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ક્વાર્ટર માટેનો આ સુધારેલો FPPAS ચાર્જ ગત 1 જુલાઈથી અમલી ગણીને વસૂલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પૂર્વે એપ્રિલ-2026 થી બેઝ FPPAS પ્રતિ યુનિટ રૂૂ. 2.30 હતો અને વેરિએબલ FPPAS 0.00 % લાગુ હતો. નવા નિયમ મુજબ હવે બેઝ FPPAS વધારીને રૂૂ. 2.45 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં પ્રથમ વાર 3.99 % વેરિએબલ સરચાર્જ પણ લાદવામાં આવ્યો છે. આ 3.99 % વેરિએબલ ચાર્જ ગ્રાહકના એનર્જી ચાર્જ, બેઝ FPPAS તેમજ ફિક્સ અને ડિમાન્ડ ચાર્જ પર સંયુક્ત રીતે લાગુ થશે.
સરચાર્જ અને ફ્યુઅલ ચાર્જમાં થયેલા આ વધારાને કારણે સામાન્ય મધ્યમવર્ગીય પરિવારોના માસિક બજેટ પર નોંધપાત્ર અસર પડશે. સામાન્ય સંજોગોમાં દર મહિને 250 થી 300 યુનિટ વીજળીનો વપરાશ ધરાવતા રહેણાંક ગ્રાહકોને અંદાજે રૂૂ. 1500 ની આસપાસ બિલ આવતું હતું. જોકે, હવે પ્રથમ વાર સરચાર્જ પેટે 20 પૈસા અને ફ્યુઅલ ચાર્જ પેટે 15 પૈસા મળીને કુલ 35 પૈસાનો વધારો થતાં, રૂૂ. 1500 નું બિલ સીધું વધીને રૂૂ. 1605 આસપાસ પહોંચી જશે. આમ, વીજ વપરાશના પ્રમાણ મુજબ ગ્રાહકોના બિલમાં દર મહિને રૂૂ. 150 થી લઈને રૂૂ. 300 સુધીનો વધારો નોંધાશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રમાં આ વધારા હેઠળ કુલ 62,59,677 વીજ ગ્રાહકો આવરી લેવાયા છે. જિલ્લાવાર વિગતો મુજબ, સૌથી વધુ જામનગર જિલ્લામાં 7,73,282 ગ્રાહકો તેમજ રાજકોટ ગ્રામ્યમાં 7,32,575 અને રાજકોટ શહેરમાં 6,62,046 ગ્રાહકો નોંધાયેલા છે. આ ઉપરાંત ભાવનગરમાં 6,91,614, અમરેલીમાં 6,44,448, જૂનાગઢમાં 5,32,155, પોરબંદરમાં 4,35,744, ભુજમાં 4,38,254, સુરેન્દ્રનગરમાં 4,20,625, મોરબીમાં 3,93,095, અંજારમાં 2,86,442 તથા બોટાદમાં 2,49,397 ગ્રાહકો પર આ નવા ટેરિફની સીધી અસર પડશે.
