જામનગરમાં લૂંટના ઇરાદે રિક્ષાચાલકની હત્યા

રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ કરવા અજાણ્યા શખ્સે ધારદાર હથિયારથી ઘા ઝીંકયા હતા જામનગર શહેરમાં માત્ર પાંચ દિવસના સમયગાળામાં જ હત્યા અંગેનો વધુ એક કિસ્સો…

રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ કરવા અજાણ્યા શખ્સે ધારદાર હથિયારથી ઘા ઝીંકયા હતા

જામનગર શહેરમાં માત્ર પાંચ દિવસના સમયગાળામાં જ હત્યા અંગેનો વધુ એક કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. જામનગરના સુભાષ બ્રિજ નીચેથી ગઈકાલે એક માનવ મૃતદેહ મળી આવ્યો હતો, અને તપાસ દરમિયાન તે મૃતદેહ બેડી વિસ્તારમાં માછીમારી કરતા અને રીક્ષા ચલાવતા એક વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું હતું, અને તેના પુત્ર એ આવીને મૃતકની ઓળખ કરી હતી. ઉપરાંત મૃતકને ગળે ટૂંપો દીધેલી તેમજ માથામાં ઇજાના નિશાન હોવાથી પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી ઊંડાણ પૂર્વકની તપાસ કરી હતી, જે તપાસ દરમિયાન મૃતક રીક્ષા ચાલક ત્રણ બત્તી વિસ્તારમાં માછલી ખરીદવા આવ્યા હતા, દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેઓને રિક્ષા સાથે સુભાષ બ્રિઝ નીચે લઈ આવ્યા બાદ તેઓની હત્યા કરી નાખી, રોકડ સાથે ના પર્સ અને મોબાઈલ ફોનની લુંટ ચલાવી ભાગી છૂટયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપોઓને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

જામનગર શહેરમાં ગઈ કાલે સવારે સુભાષ બ્રિઝ નીચે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકના શરીરે ઈજાના નિશાનો જોવા મળતા હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. બાદમાં તપાસમાં મૃતકની ઓળખ બેડી વિસ્તારના રહેવાસી અને મચ્છી વેચવાનો વ્યવસાય કરતા ઇસ્માઈલભાઈ હારૂનભાઈ કેર (ઉ.વ. 59) તરીકે થઈ છે.

મૃતકના પુત્ર અસગર ઇસ્માઈલભાઈ કેર દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 04/05/2026ના રોજ વહેલી સવારે આશરે 5:30 વાગ્યે તેમના પિતા પોતાની સી.એન.જી. રિક્ષા નં. જી.જે.-10-ટી.ડબ્લ્યુ.-0814 લઈને ત્રણબત્તી સ્થિત મચ્છી માર્કેટમાં માછલી ખરીદવા ગયા હતા. તેઓ દરરોજની જેમ સવારે 8:00 થી 8:30 વાગ્યે ઘરે પરત ફરતા હતા, પરંતુ તે દિવસે સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનોને શંકા ઉદભવી હતી.

પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેઓ ક્યાંય મળી ન આવતા બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ દ્વારા સુભાષ બ્રિઝ નજીક નદીકાંઠે મળેલા મૃતદેહના ફોટા પરથી ઓળખ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા ઇસ્માઈલભાઈનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેમના માથા, કપાળ, આંખ ઉપર અને કાન પાસે ગંભીર ઈજાઓ જોવા મળી હતી, તેમજ ગળા પર દબાણના નિશાનો પણ જોવા મળ્યા હતા. ફરિયાદ મુજબ, મૃતક દરરોજ મચ્છી વેચાણ માટે આશરે 5,000 થી 7,000 જેટલી રોકડ રકમ પોતાના પાસે રાખતા હતા, પરંતુ ઘટના સ્થળેથી તેમનું પાકીટ, મોબાઈલ ફોન અને રોકડ રકમ ગુમ હોવાનું સામે આવ્યું છે. મૃતદેહથી થોડે દૂર રવિવારી ગુજરી બજાર નજીક નદીના પટ્ટામાં તેમની રિક્ષા પણ મળી આવી હતી.

આ પ્રાથમિક વિગતોના આધારે અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે ઇસ્માઈલભાઈને રિક્ષા સાથે સુભાષ બ્રિઝ વિસ્તારમાં લઈ જઈ તેમની ઉપર હુમલો કરી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હાલ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ દ્વારા આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને ઝડપથી આરોપીઓને પકડી પાડવાની ખાતરી વ્યક્ત કરી છે.