જામનગરમાં નીલગીરીના ઝાડ પર ચડી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ, 108ની મદદથી બચાવાયો

જામનગર શહેરમાં પ્રદર્શન મેદાન સામે આવેલ નિલગિરિના ઝાડ પર ચડી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ શંકર ડાભી…

જામનગર શહેરમાં પ્રદર્શન મેદાન સામે આવેલ નિલગિરિના ઝાડ પર ચડી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ શંકર ડાભી (ઉ.વ. 42), જે સાત રસ્તા પાસે ઝૂંપડામાં રહે છે, તેણે ગઈકાલે બપોરે પત્ની રામપિયારી સાથે થયેલી બોલાચાલી બાદ નશાની હાલતમાં આ પગલું ભર્યું હતું.
ઘટના મુજબ શંકર ડાભી નિલગિરિના ઝાડ પર ચડી ગળાફાંસો ખાવાનો પ્રયાસ કરતાં લટકતો જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સૌપ્રથમ બચાવવા પ્રયત્નો કરી તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.

સાથે જ 108 ઇમરજન્સી સેવા ને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શંકર ડાભીને સલામત રીતે નીચે ઉતારી સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં તે બેભાન હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.

બનાવ અંગે સિટી બી. ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.કે. વજગોળ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા, અને ત્યાં હાજર તેની પત્ની રામપિયારીનું નિવેદન નોંધ્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સમયસર સ્થાનિક લોકો અને 108 ટીમની તાત્કાલિક કામગીરીને કારણે હાલ એક જીવ બચી ગયો હોવાનું સામે આવ્યું છે. અને બેશુદ્ધ અવસ્થામાં સારવાર હેઠળ છે.