સપ્તાહના પ્રથમ દિવસે જ ચાંદીના ભાવમાં 11 હજારનો વધારો, નવો ભાવ 3.04 લાખની ઐતિહાસિક સપાટીએ, સોનું પણ રૂા.1.50 લાખ ભણી
ભારતમાં ચાંદીએ ઇતિહાસ સર્જયો છે. આજે પ્રથમ વખત ભારતમાં ચાંદીનો ભાવ 3 લાખને પાર થતાં નવી ઐતિહાસિક સપાટીએ ચાંદી પહોંચી છે. આજે ચાંદીમાં 11000નો વધારો નોંધાયો હતો. ચાંદીના પગલે પગલે સોનામાં પણ આજે તોફાની તેજી જોવા મળી અને પ્રતિ 10 ગ્રામે રૂા.2000નો વધારો નોંધાયો છે. માત્ર જાન્યુઆરી મહીનામાં જ ચાંદીમાં 27 ટકા નો વધારો નોંધાયો છે.
ગત સપ્તાહમાં ચાંદીએ 2,92,900નો ઉચ્ચતમ ભાવ જોયો હતો. પરંતુ આજે એમસીએકસમાં ચાંદી બજારમાં ખુલતાની સાથે 299400 પર પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદી 94 ડોલર સુધી પહોંચી છે. તાજેતરની પોલીટીકલ પરિસ્થિતિ અમેરીકા દ્વારા વેનેઝુએલા પર હુમલા અને ગ્રીનફિલ્ડ કબજે કરવાની રણનીતીને કારણે ચાંદીની માંગમાં જોરદાર વધારો નોંધાયો છે. ખાણમાંથી મળતી ચાંદી વિશ્ર્વના ઉદ્યોગ અને રોકાણની જરૂરીયાતોને પુર્ણ કરવા અસમર્થ રહી છે જેના કારણે બજારમાં ચાંદીની ભારે અછત પણ સર્જાણી છે.
કેન્દ્રીય બેંકોનું વલણ પણ ચાંદીના ભાવમાં વધારા પાછળ જવાબદાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી સેન્ટ્રલ બેંક સોનું ખરીદી રહી છે. હવે સેન્ટ્રલ બેંક ચાંદી તરફ પણ નજર કરી રહી છે. ચાંદી હવે માત્ર એક ટ્રેડીંગ ધાતુ તરીકે નહીં પરંતુ વ્યુહાત્મક સંપતી તરીકે ઉભરી આવી છે અને આ કારણે ચાંદી આજે 3 લાખને પાર થઇ ગઇ છે.
રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આજે ચાંદીનો ભાવ રૂા.304400 જેવો જોવા મળ્યો હતો. જયારે સોનામાં રૂા.2000નો વધારો જોવા મળતા 148350 નો ભાવ રાજકોટમાં જોવા મળ્યો છે. આજે સોનામાં 70 ડોલરની તેજી જોવા મળી હતી. જેના પગલે સોનું પણ દોઢ લાખ તરફ પહોંચ્યું છે.
નિષ્ણાંતો ચાંદીનું રેસીસ્ટન્સ 280000નું જોઇ રહ્યા છે. જયારે ઉચ્ચતમ ટાર્ગેટ 320000નો નજીકના ભવિષ્યમાં જોઇ રહ્યા છે. જયારે સોનાના ભાવમાં 155000નો ટાર્ગેટ જોવા મળી રહ્યો છે.
સોના-ચાંદીમાં આગઝરતી તેજીની સામે શેર બજારમાં આજે પણ વેચવાલી જોવા મળી રહી છે. રિલાયન્સ તેમજ વિપ્રોના પરિણામોમાં કોઇ મોટી પોઝીટીવ ઇમ્પેકટ જોવા ન મળતા માર્કેટને કોઇ મોટો સપોર્ટ મળ્યો નહીં. સેન્સેકસ 370 પોઇન્ટ નીચે જોવા મળી રહ્યો છે. જયારે નીફટી 120 પોઇન્ટ નીચે જોવા મળી છે. આજે 1750 શેર લાલ નિશાનમાં અને માત્ર 650 શેર ગ્રીન નિશાનમાં જોવા મળ્યા છે. આજે અદાણી, ડો.રેડીઝ, રીલાયન્સ, ઇન્ફોસીસ, ટીસીએસ સહીતના શેરોમાં વેચવાલી જોવા મળી છે. રિલાયન્સનો શેર છેલ્લા ત્રણ સપ્તાહમાં 190 રૂા. તુટયો છે.
ગ્રીનલેન્ડ વિવાદે સોના અને ચાંદીના ભાવ વધ્યા
ગ્રીનલેન્ડ મેળવવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જોરદાર પ્રયાસોએ યુએસ અને યુરોપ વચ્ચે નુકસાનકારક વેપાર યુદ્ધનો ભય ઉભો કર્યો છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, સિંગાપોરમાં સવારે 8:11 વાગ્યા સુધીમાં હાજર સોનાનો ભાવ 1.6% વધીને 4,668.76 પ્રતિ ઔંસ થયો છે, જે અગાઉ 4,690.59 ની ટોચે પહોંચ્યો હતો. ચાંદી 3.2% વધી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ફ્રાન્સ, જર્મની અને બ્રિટન સહિત આઠ યુરોપિયન દેશો પર ટેરિફ લાદશે, જેમણે ગ્રીનલેન્ડ હસ્તગત કરવાની તેમની યોજનાનો વિરોધ કર્યો છે. આ 10% ટેરિફ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે અને જૂન સુધીમાં 25% સુધી વધશે. આ પગલાથી કિંમતી ધાતુઓની માંગમાં વધારો થયો છે.
