ભારતમાં યુટ્યૂબ સહિતનાં સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવનારા પોતાને બધાથી ઉપર માને છે. એ લોકો એમ જ માને છે કે, પોતાને આ પ્લેટફોર્મ મળ્યું છે એટલે પોતાને મનફાવે એવા લવારા કરવાનો ને જીભે ચડે એ ભસી નાખવાનો અધિકાર મળી ગયો છે. આ ભ્રમમાં ને ભ્રમમાં એ લોકો એવી વાતો કરે છે કે જે સાંભળીને તેમની બુદ્ધિ વિશે તો શંકા જાગે જ પણ તેમને પસંદ કરનારાં લોકોની બુદ્ધિ અને ટેસ્ટ વિશે પણ શંકા જાગે. આવી શંકા પેદા કરનારો તાજો દાખલો જાણીતા યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાનો છે. યુ ટ્યુબ પર કોમેડિયન તરીકે જાણીત થયેલા સમય રૈના ને તેના જેવા લખોટાઓ સોશિયલ મીડિયા પર ’ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ નામનો શો ચલાવે છે.
આ શો ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી રહ્યો છે કેમ કે ભારતમાં નવરાઓની કમી નથી. ખેર, આ દેશનું બંધારણ તેમને ગમે એ બકવાસ જોવાની છૂટ આપે છે તેથી તેની સામે વાંધો ના લઈ શકાય પણ આ શોના જજ એવા રણવીર અલાહાબાદિયાએ એક સ્પર્ધકને કરેલો સવાલ ચોક્કસ વાંધો લેવા જેવો છે. અલાહાબાદિયાએ સવાલ કરેલો કે, તમે તમારા માતાપિતાને આખી જિંદગી સેક્સ કરતાં જોવાનું પસંદ કરશો કે તેને રોકવા માટે એકવાર તેમાં સામેલ થશો?
આ શો કોમેડીનો છે ને આ સવાલ સાથે કોમેડીને શું લેવાદેવા છે એ ખબર નથી પણ પોતાને સોશિયલ મીડિયાના ખાંસાહેબો માનતા લોકોની આ માનસિકતા છે. એ લોકોને એવું લાગે જ છે કે, પોતાને ગમે તે બોલવાનો અધિકાર છે એટલે આ સવાલ પૂછી લીધો. આ સવાલ સામે ભારે હોહા થઈ અને પોલીસ ફરિયાદ થઈ પછી અલાહાબાદિયાની ફાટી ગઈ. અલાહાબાદિયાએ આ નિવેદન બદલ માફી માગી છે.
આપણે ત્યાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને નામે જે ધૂપ્પલો ચાલે છે તેમાં સોશિયલ મીડિયા અને યુટ્યુબરોનું છે. કોઈ આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને પોતાની ક્રિયેટિવિટી દુનિયા સામે રજૂ કરે તેની સામે કોઈને વાંધો નથી ને વાંધો હોવો પણ ના જોઈએ પણ ક્રિયેટિવિટીના નામે ગંદકી ફેલાવાય એ પણ ના ચાલે.