એપલના મુખ્ય ભારતીય સપ્લાયર તાતા ઈલેક્ટ્રોનિક્સ પર થયેલા અનુમાનિત રેન્સમવેર હુમલામાં કંપનીના સિસ્ટમ્સમાંથી ચોરાયેલા સંવેદનશીલ ડેટામાં એપલના આગામી આઈફોન 18 પ્રો અને આઈફોન 18 પ્રો મેક્સના મુખ્ય કોમ્પોનેન્ટ્સ, સપ્લાયર્સની વિગતવાર યાદી તેમજ પ્રોટોટાઈપના ફોટા ડાર્ક વેબ પર જાહેર થઈ ગયા છે. આ માહિતી ‘વર્લ્ડ લીક્સ’ નામના રેન્સમવેર ગ્રુપ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.
રિપોર્ટ્સ અનુસાર, લીક થયેલી 2,00,000થી વધુ ફાઈલ્સમાં આઈફોન 18 પ્રોના મેઈન સર્કિટ બોર્ડ, બેટરી અને કેમેરા સિસ્ટમ્સ જેવા મહત્વના ભાગો માટેના સપ્લાયર્સની મેપિંગનો સમાવેશ થાય છે. આ ફાઈલ્સમાં સેંકડો પાર્ટ્સની વિગતો છે, જે એપલ કયા સપ્લાયર્સ પર આધારિત છે તે દર્શાવે છે.વધુમાં, તાતા ફેસિલિટીમાં શરૂૂઆતના 2026માં ડ્રોપ-ટેસ્ટિંગ દરમિયાન લેવાયેલા ફોટા પણ લીક થયા છે. આમાં ગ્રે કલરનું આઈફોન ત્રણ કેમેરા સેટઅપ સાથે દેખાય છે. સ્ત્રોતે દાવો કર્યો છે કે આ આઈફોન 18 પ્રો મોડલ્સ છે, જોકે અન્ય સ્ત્રોતો દ્વારા હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
લીકમાં જૂના આઈફોન્સના ડિઝાઈન ડોક્યુમેન્ટ્સ, ટેસ્લા પાર્ટ્સ તેમજ તાઈવાન સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની અને ક્વોલકોમ સંબંધિત ફાઈલ્સ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
એપલ આવી સપ્લાયર માહિતીને અત્યંત સંવેદનશીલ માને છે, ખાસ કરીને અપ્રકાશિત ઉત્પાદનો માટે. આ લીકથી એપલના વૈશ્વિક સપ્લાય ચેઈનને અસર થઈ શકે છે અને પ્રતિસ્પર્ધી કંપનીઓ તેમજ નકલી ઉત્પાદકોને મહત્વની માહિતી મળી શકે છે. એપલે આ ઘટનાની તપાસ શરૂૂ કરી છે અને તાતા ઈલેક્ટ્રોનિક્સ સાથે મળીને સુરક્ષા પગલાં મજબૂત કરવા કાર્યવાહી કરી રહ્યું છે. તાતા ઈલેક્ટ્રોનિક્સે આંતરિક સિસ્ટમ્સની ઍક્સેસ પર પ્રતિબંધ મૂક્યો છે. અને વૈશ્વિક ફોરેન્સિક ઓડિટ માટે ક્ધસલ્ટન્સીની નિમણૂક કરી છે.
