ગુજરાત

રાજકોટમાં 16 ચોમાસામાં 40 ઈંચથી વધુ અને 7 ચોમાસામાં 10 ઈંચથી ઓછો વરસાદ

Published

on

વાદળો ક્યારે ક્યાં કેટલું હેત વરસાવશે એ કળવું મોટેભાગે મુશ્કેલ રહેતું હોય છે. રાજકોટમાં જ્યાં વિતેલાં બે વર્ષ (2022 અને 2023) વરસાદની દૃષ્ટિએ સામાન્ય રહ્યા ત્યાં તેની આગળના બે વર્ષ રેકોર્ડબ્રેક નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો. અગાઉના દાયકાઓમાં અપૂરતા વરસાદ સહિતના કારણોસર જળ સમસ્યાથી ત્રસ્ત રહેલા આ શહેરે છેલ્લા બે દાયકામાંથી 10 ચોમાસા તો 40 ઇંચથી વધુ વરસાદવાળા પણ જોયા છે. રાજકોટમાં ક્યારે કેટલો વરસાદ થયો તેની આંકડાકીય માહિતી ચકાસતાં સ્પષ્ટ બને છે કે 1923થી લઈને 2023ના સમયમાં 100માંથી કુલ 15 ચોમાસા આ શહેર ઉપર 40 ઇંચ કરતાં પણ વધુ જળવૃષ્ટિ કરી ગયા છે. તેમાં 1945માં 1022 મિમિ, 1953માં 1099, 1959માં 1085, મોરબી મચ્છુ જળ હોનારતવાળા વર્ષ 1979માં 1313 મિમિ, 1988માં 1017, 1995માં 1015, વર્ષ 2005માં 1014, સતત બીજા વર્ષે 2006માં 1055 અને હેટ્રિક સમાન 2007માં 1317 મિમિ, 2010માં 1370, 2013માં 1294, 2017માં 1295, 2019માં અત્યાર સુધીનો મહત્તમ- 1607 મિમિ, 2020માં 1248 અને 2021માં 1206 મિમિ વરસાદ મહાપાલિકાની ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા નોંધાયેલો છે.

વર્ષ 2023માં 22.6 ઇંચ અને 2022માં 34.52 ઇંચ જેવા મધ્યમ વરસાદ બાદ આ વખતે પણ અત્યાર સુધીનો વરસાદ 43 ઇંચને પાર થઈ ગયો છે. બીજી તરફ, 100માંથી સાત ચોમાસા ફક્ત 6થી 9 ઇંચ વરસાદ આપીને નિરાશ પણ કરી ગયા, જે પૈકી વર્ષ 1939માં ન્યુનત્તમ- 6 ઇંચ, 1969માં 9 ઇંચ, 1973માં 7 અને સતત બીજા વર્ષે 1974માં 8 ઇંચ, એ જ રીતે 1986 અને 1987માં અનુક્રમે 8 અને 7 ઇંચ તેમજ છેલ્લે વર્ષ 1999માં 9 ઇંચ વરસાદ નોંધાયો હતો. એકંદરે છેલ્લા થોડા વર્ષોમાં કુદરત તો પુષ્કળ જળરાશિ વરસાવીને જળાશયો છલકાવી દેતી હોવાનું ખુદ મનપાના ચોપડે બોલે છે, પરંતુ શાસકો-તંત્રવાહકોની અણઆવડત આ શહેરને પાણીની તંગીમાંથી કાયમી મુક્તિ નથી અપાવી શક્યા અને નર્મદાના ભરોસે જ રહેવું પડે છે એ વળી અલગ જ વાત છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version