દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ’જેલર 2’એ રિલીઝ પહેલાં જ મોટો રેકોર્ડ બનાવ્યો છે. નેલ્સન દિલીપકુમારના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મે 160 કરોડની ઓટીટી ડીલ મેળવી હોવાનું કહેવાય છે. આ ડીલને 2026ની સૌથી મોટી નોન-થિયેટ્રિકલ ડીલ તેમજ તમિલ ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી મોટી નોન-થિયેટ્રિકલ ડીલ ગણાવવામાં આવી રહી છે. રજનીકાંતના 50 વર્ષ લાંબા સ્ટારડમ વચ્ચે આવી રહેલી ’જેલર 2’ 2023માં આવેલી કલ્ટ હિટ ’જેલર’ની સિક્વલ છે. પ્રથમ ફિલ્મની જબરદસ્ત સફળતા બાદ સિક્વલ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાં સામેલ છે.
આ અંગેના અહેવાલ મુજબ, ફિલ્મે એક સ્ટ્રીમિંગ પાર્ટનર પાસેથી 160 કરોડ મેળવ્યા છે. એક સુત્રએ જણાવ્યું, ’આ 2026ની સૌથી મોટી નોન-થિયેટ્રિકલ ડીલ છે અને તમિલ ફિલ્મ માટે અત્યાર સુધીની પણ સૌથી મોટી ડીલ છે. આ ડીલ ’લીઓ’ને પાછળ છોડી રહી છે. રજનીકાંત પોતાની છેલ્લાં 15 વર્ષમાં સૌથી વધુ લોકપ્રિય થયેલી ફિલ્મની સિક્વલ સાથે ફરી એકવાર પોતાની સુપરસ્ટાર શક્તિ બતાવી રહ્યા છે.’
અહેવાલ મુજબ, ’જેલર 2’એ આ વર્ષે અત્યાર સુધીની સૌથી મોટી નોન-થિયેટ્રિકલ ડીલનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે અને ’કિંગ’ને પણ પાછળ છોડી છે. જોકે, આ ઐતિહાસિકમાં સ્ટ્રીમિંગ અધિકારો ઉપરાંત અન્ય નોન-થિયેટ્રિકલ હકોનો સમાવેશ થાય છે કે નહીં, તેની વધુ વિગતો હજુ સામે આવવાની બાકી છે. આ ડીલ દર્શાવે છે કે ઓટીટી પ્લેટફોર્મ્સ રજનીકાંતની બ્રાન્ડ વેલ્યુ અને ’જેલર’ ફ્રેન્ચાઇઝીની લોકપ્રિયતા પર કેટલો મોટો દાવ લગાવી રહ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ, ’જેલર 2’ ઓક્ટોબર 2026માં રિલીઝ થવાની છે.
નિર્માતાઓ હવે ફિલ્મના થિયેટ્રિકલ પ્રમોશનની શરૂૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મમાં રજનીકાંત ફરી એકવાર ટાઇગર મુથુવેલ પાંડિયનના લોકપ્રિય પાત્રમાં જોવા મળશે. પહેલી ’જેલર’માં તેમના આ અવતારે દર્શકોમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. ’જેલર 2’ની 160 કરોડની ઓટીટી ડીલ સાથે હવે ફિલ્મની થિયેટ્રિકલ કમાણી અંગે પણ અપેક્ષાઓ આસમાને પહોંચી છે. રજનીકાંતના સ્ટારડમ, ’જેલર’ની સફળતા અને આ રેકોર્ડ ડીલત્રણેય મળીને સિક્વલને 2026ની સૌથી મોટી તમિલ રિલીઝમાં સ્થાન અપાવી રહ્યા છે.
