નાસભાગ બાદ પ્રયાગરાજની સરહદો સીલ

ભાવિકોમાં ઉમંગ, ઉત્સાહની જગ્યાએ ચિંતા-વ્યગ્રતા મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન કરવા કરોડો લોકો એકઠાં થતાં નાસભાગમાં કેટલાયના મૃત્યુ બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. વિશેષ ટ્રેનો…

ભાવિકોમાં ઉમંગ, ઉત્સાહની જગ્યાએ ચિંતા-વ્યગ્રતા

મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન કરવા કરોડો લોકો એકઠાં થતાં નાસભાગમાં કેટલાયના મૃત્યુ બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. વિશેષ ટ્રેનો રદ કરાયા બાદ રસ્તા માર્ગે આવતા લોકોને પણ ફતેહપુર નજીક અટકાવવામાં આવી રહ્યાના અહેવાલ છે.

નાસભાગ બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. હવે પ્રયાગરાજમાં બહારના વાહનોની એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે. પ્રયાગરાજ તરફ જતાં વાહનોને વિવિધ જિલ્લાઓમાં રોકવામાં આવી રહ્યા છે. પ્રયાગરાજની સરહદો બહારના વાહનો માટે સીલ કરી દેવામાં આવી છે. બહારના જિલ્લાથી પ્રયાગરાજ તરફ જતાં રસ્તાઓ પર બેરિકેડ લગાવીને બ્લોક કરી દેવામાં આવ્યા છે. ભદોહી, સોનભદ્ર, મિર્ઝાપુર, કૌશાંબી, જૌનપુરમાં પોલીસ વહીવટી ટીમો પ્રયાગરાજ જતાં વાહનોને રોકી રહી છે અને તેમને પરત મોકલી રહી છે. વારાણસીથી પ્રયાગરાજ જતાં વાહનોને ભદોહીના બાબુરાસાઈમાં રોકી દેવામાં આવ્યા છે. જેના કારણે અનેક કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી ગઈ છે. હાઇવેની એક બાજુ ટ્રાફિક જામ છે. વારાણસીમાં, પ્રયાગરાજ તરફ જતાં વાહનોને મિર્ઝામુરાદના રખુના ખાતે રિંગ રોડ પાસે રોકવામાં આવ્યા છે.

ભાગદોડ બાદ સીએમ યોગીએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે. તેમણે કહ્યું કે વ્યક્તિએ જ્યાં હોય ત્યાં માતા ગંગાના ઘાટ પર સ્નાન કરવું જોઈએ. સંગમ નોજ તરફ જવાનો પ્રયાસ કરશો નહીં. વહીવટીતંત્રની બધી સૂચનાઓનું પાલન કરો, વ્યવસ્થા કરવામાં સહકાર આપો. સંગમના બધા ઘાટ પર સ્નાન શાંતિથી થઈ રહ્યું છે.

કોઈપણ અફવા પર ધ્યાન ન આપો.નેતાઓએ આ ઘટના પર દુખ વ્યક્ત કરવા સામે યોગી સરકારને નિશાને લીધી છે. સપના અખિલેશ યાદવથી માંડી કોંગ્રેસના નેતાઓએ યોગી સરકાર પર વીઆઇપી કલ્ચરને ઉતેજને આપી ફોટો સેશનમાં વ્યસ્ત રહેવાનો અને ભક્તોની વ્યવસ્થાની ઉપેક્ષા કરવાનો આક્ષેપ કર્યો છે. પંચાયતી અખાડાના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી શ્રી નિરંજનીએ રડતા અવાજે જણાવ્યું કે કુંભની સુરક્ષા સેનાને સોંપવા અમે જણાવ્યું હતું પણ કોઇએ અમારી વાત સાંભળી નહીં. બસપાના સર્વેસર્વા માયાવતી અને દિલ્હીના પૂવર કેજરીવાલે પણ મૃતકોના પરિવારનોને સંવેદના પાઠવી છે. નાસભાગના કારણે લોકોએ હવે ઉચાળા ભરવા શરૂ કર્યા છે અને એ કારણે હાથમાં આવ્યું તે વાહન મેળવવા પડાપડી થઇ રહી છે. ઉમંગ અને ઉત્સાહનું સ્થાન ચિંતા અને વ્યગ્રતાએ લીધું છે.

પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પીએમ મોદીએ ટ્વિટમાં શોક વ્યક્ત કરતાં કહ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં સર્જાયેલી દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુ:ખી છું. જે શ્રદ્ધાળુઓએ તેમના પ્રિયજનો ગુમાવ્યા તેમના પ્રત્યે મારી ગાઢ સંવેદના છે. આ સાથે જ હું તમામ ઈજાગ્રસ્તો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. સ્થાનિક તંત્ર પીડિતોની દરેક સંભવ મદદ કરવાના પ્રયાસ કરી રહ્યું છે. આ મામલે મેં મુખ્યમંત્રી યોગી સાથે વાતચીત કરી છે અને સતત રાજ્ય સરકારના સંપર્કમાં છું.

અમે 10 આવ્યા હતા: હવે ફકત બે બચ્યા છીએ: રિંકુ દેવી
મૌની અમાસના અવસર પર કરોડો ભક્તો પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા માટે સંગમ પહોંચ્યા હતા, ત્યારબાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. એક પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું કે ભીડ એટલી મોટી થઈ ગઈ હતી કે લોકો એકબીજા પર પડી રહ્યા હતા. એક મહિલાએ કહ્યું કે, મહાકુંભમાં સ્નાન કરવા માટે તેની સાથે 10 લોકો આવ્યા હતા, હવે ફક્ત 2 જ બચ્યા છીએ.તેમણે કહ્યું કે બચી ગયેલા લોકોને મેળામાં અલગ કરવામાં આવ્યા હતા. મહિલાએ દાવો કર્યો હતો કે તેની સાસુનું મૃત્યુ નાસભાગમાં થયું હતું. તેણીએ રડતા રડતા કહ્યું, મારું નામ રિંકુ દેવી છે. અમે નહાવા જઈ રહ્યા હતા, પણ નાસભાગ મચી ગઈ. લોકો એકબીજા પર પડી રહ્યા હતા. આ ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ બની. અમે ગંગા નદીના કિનારે હતા. તે ત્યાં હતા પણ ગંગામાં ડૂબકી ન લગાવી.

ઘાયલોને હોસ્પિટલે લઇ જતી એમ્બ્યુલન્સમાં આગ
પ્રયાગરાજ મહાકુંભ વિસ્તારમાં આજે સવારે એક મોટી ઘટના બની હતી, જ્યારે મહાકુંભ વિસ્તારમાં એમ્બ્યુલન્સમાં આગ લાગી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે એમ્બ્યુલન્સ ઘાયલ ભક્તને હોસ્પિટલ લઈ જઈ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે એમ્બ્યુલન્સના એન્જીનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો અને તે પછી આગએ આખી એમ્બ્યુલન્સને લપેટમાં લઈ લીધી. આગ લાગ્યા બાદ આસપાસના લોકો તાત્કાલિક સક્રિય થઈ ગયા હતા અને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ વધુ ફેલાય તે પહેલા ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવામાં આવી હતી. રાહતની વાત એ છે કે એમ્બ્યુલન્સમાં સવાર કોઈને પણ ગંભીર ઈજા થઈ નથી અને બધા સુરક્ષિત છે.

દુર્ઘટના માટે વીઆઇપી કલ્ચર જવાબદાર: રાહુલ વ્યવસ્થા સેનાને સોંપવા અખિલેશ યાદવની માગ
પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં થયેલી નાસભાગ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન પણ આવ્યું છે. તેમણે મૌની અમાવસ્યાના અવસર પર બનેલી ઘટના માટે યુપી સરકારને જવાબદાર ઠેરવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે આ દુ:ખદ ઘટના માટે સામાન્ય ભક્તોની જગ્યાએ ગેરવહીવટ અને વીઆઇપી મૂવમેન્ટ પર પ્રશાસનનું વિશેષ ધ્યાન જવાબદાર છે. તેમણે કહ્યું, મહાકુંભમાં હજુ ઘણો સમય બાકી છે, હજુ ઘણા મહાસ્નાન થવાના છે. આજના જેવી દુ:ખદ ઘટના ફરી ન બને તે માટે સરકારે સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ. વીઆઈપી કલ્ચર પર અંકુશ મૂકવો જોઈએ અને સામાન્ય ભક્તોની જરૂૂરિયાતોને પહોંચી વળવા સરકારે વધુ સારી વ્યવસ્થા કરવી જોઈએ. હું કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને પીડિત પરિવારોને મદદ કરવા વિનંતી કરું છું. દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ભારતીય સેનાને બોલાવવાની માંગ કરી છે. એટલું જ નહીં, તેમણે કહ્યું છે કે જેઓ વિશ્વસ્તરીય સિસ્ટમ હોવાનો દાવો કરી રહ્યા હતા, તેઓએ અકસ્માતની નૈતિક જવાબદારી લેવી જોઈએ અને તેમના પદ પરથી હટી જવું જોઈએ. અખિલેશ યાદવે એકસ પર એક પોસ્ટમાં કહ્યું છે કે, મહાકુંભમાં આવેલા સંતો અને ભક્તોમાં સિસ્ટમમાં વિશ્વાસ કેળવવા માટે જરૂૂરી છે કે મહાકુંભનો વહીવટ અને સંચાલન તાત્કાલિક સેનાને સોંપવામાં આવે. ઉત્તર પ્રદેશ પ્રશાસનની. હવે જ્યારે વર્લ્ડ ક્લાસ વ્યવસ્થા બનાવવાનો પ્રચાર કરતી વખતે કરવામાં આવેલા દાવાઓની સત્યતા સામે આવી ગઈ છે, તો જે લોકો આવા દાવા કરી રહ્યા હતા અને ખોટો પ્રચાર કરી રહ્યા હતા તેઓએ લોકોની નૈતિક જવાબદારી નિભાવવી જોઈએ. જેઓ આ અકસ્માતમાં ઘાયલ થયા હતા. તમારે તમારા પદને સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ.

કુંભ મેળાનો નાસભાગ સાથે જૂનો છે નાતો: દુર્ઘટનાઓની આ છે તવારીખ

કુંભના મેળામાં નાસભાગ, અફરાતફરીના બનવો અગાઉ અનેક વખત બની ચૂક્યા છે. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત પણ નીપજ્યા છે.

1954: આઝાદી બાદ પ્રથમ વખત 1954માં પ્રયાગરાજ ખાતે કુંભ મેળાનું આયોજન થયુ હતું. તે દરમિયા 3 ફેબ્રુઆરી, 1954માં પ્રયાગરાજમાં મૌની અમાસના પાવન અવસરે પવિત્ર સ્નાન કરવા ઉમટી પડેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી હતી. જેમાં આશરે 800 લોકો નદીમાં ડૂબી તથા કચડાઈને મૃત્યુ પામ્યા હતાં.

1986: આ વર્ષે કુંભ મેળો હરિદ્વારમાં યોજાયો હતો. તે દરમિયાન 14 એપ્રિલ, 1986ના રોજ મેળામાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી વીર બહાદુર સિંહ અનેક રાજ્યોના મુખ્યમંત્રી અને સાંસદો સાથે હરિદ્ધાર પહોંચ્યા હતા. જેથી શ્રદ્ધાળુઓને તટ પર જતાં અટકાવતાં ભીડ બેકાબૂ થઈ હતી. અને નાસભાગ મચી હતી. જેમાં 200 લોકોના મોત નીપજ્યા હતા.
2003: 1986ની નાસભાગની ઘટના બાદ લાંબા સમય સુધી કુંભ મેળાનું સફળતાપૂર્વક આયોજન થતુ રહ્યું. ક્રાઉડ મેનેજમેન્ટમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ 2003માં નાસિક કુંભમાં ફરી આ પ્રકારની દુર્ઘટના બની હતી. જેમાં અચાનક નાસભાગ થતાં 39 તીર્થયાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા. 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
2010: હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળામાં 14 એપ્રિલ, 2010ના રોજ શાહી સ્નાનમાં સાધુઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે અથડામણ થતાં નાસભાગ મચી હતી. જેમાં સાત લોકોના મોત થયા હતા અને 15 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.
2013: પ્રયાગરાજ કુંભમાં મેળામાં નહીં પરંતુ અલાહાબાદ રેલવે સ્ટેશન પર નાસભાગની ઘટના બની હતી. જેમાં 42 લોકોના મોત નીપજ્યા હતા. અલાહાબાદ રેલવે સ્ટેશન પર એક ફુટબ્રિજ પર રેલિંગ પડતાં નાસભાગ મચી હતી. ભારે ભીડને નિયંત્રિત કરવા રેલવે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે નાસભાગ મચી હતી. જેમાં 29 મહિલાઓ, 12 પુરૂૂષ, અને એક આઠ વર્ષની બાળકી મૃત્યુ પામી હતી. 45થી વધુ લોકો ઘાયલ પણ થયા હતાં.

પ્રયાગરાજમાંથી લોકોને બહાર કાઢવા 360 વિશેષ ટ્રેનો
મહાકુંભમાં શાહી સ્નાન પહેલાં જ થયેલી નાસભાગ છતાં ભીડ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. પ્રયાગરાજની શેરીઓ અને કીચડવાળા વિસ્તારો લોકોથી ભરાઈ ગયા હતા. હવે શાહી સ્નાન બાદ આ ભીડને અહીંથી હટાવવા માટે ખાસ ટ્રેનની યોજના અમલમાં મૂકવામાં આવી છે. રેલવેની યોજના મુજબ, આજે પ્રયાગરાજના સ્ટેશનોથી સ્પેશિયલ ટ્રેનો માત્ર મુસાફરોને પ્રયાગરાજની બહાર લઈ જવાનું કામ કરશે, એટલે કે અન્ય શહેરોમાંથી વિશેષ ટ્રેનો પ્રયાગરાજ નહીં આવે. ગઈકાલ સુધી પ્રયાગરાજ માટે વિશેષ ટ્રેનો દોડતી હતી પરંતુ આજે તે પ્રયાગરાજથી દેશના વિવિધ ભાગોમાં જ દોડશે. આવી કુલ 360 ટ્રેનો પ્રયાગરાજના સ્ટેશનો પરથી દોડશે. જો કે, પ્રયાગરાજ જતી અને આવતી નિયમિત ટ્રેનો તેમના સમયપત્રક મુજબ ચાલશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *