પીએમના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરને નેધરલેન્ડ ટેકનોલોજીની પાંખો મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતની મહત્ત્વાકાંક્ષી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. નેધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વપ્રસિદ્ધ ડેમ ‘અફસ્લુઇટડિજક’…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતની મહત્ત્વાકાંક્ષી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. નેધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વપ્રસિદ્ધ ડેમ ‘અફસ્લુઇટડિજક’ ની મુલાકાત લીધી હતી. તેમણે આ ડેમમાં ઉપયોગમાં લેવામાં આવેલી ટેક્નોલોજીને ઉદાહરણરૂૂપ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, ’અફસ્લોટડાઇક’ અને ગુજરાતની કલ્પસર યોજના વચ્ચે અઢળક સમાનતાઓ છે. કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગને લઈને વડા પ્રધાનની ઉપસ્થિતિમાં ભારતના જળ શક્તિ મંત્રાલય અને નેધરલેન્ડ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટ મંત્રાલય વચ્ચે આશયપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આનાથી યોજનાના અમલને વધુ વેગ મળશે. કલ્પસર યોજના હેઠળ ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધીને સમુદ્રને મળતી સાત નદીઓના જળનો ઉપયોગ કરવાની યોજના છે.

આયોજનાનો મુખ્ય ઉદ્દેશ ખંભાતના અખાત પર મીઠા પાણીનું એક વિશાળ જળાશય બનાવવાનું છે. સાથે જ, તેમાં ભરતીથી ઊર્જા ઉત્પાદન, સિંચાઈ અને પરિવહન માળખાના સમકલિત વિકાસનો પણ સમાવેશ થાય છે. કલ્પસર યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓમાં અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. આ યોજના દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર 240 કિલોમીટરથી ઘટીને 60 કિલોમીટર જેટલું થઈ જશે. એટલું જ નહીં, આ યોજનાથી અંદાજે 1500 મેગાવોટ પવન ઊર્જા અને 1000 મેગાવોટ સૌર ઊર્જા જેવા નવીનીકરણીય ઊર્જાના સ્ત્રોતોનું ઉત્પાદન પણ થશે. સાથે જ પ્રવાસન અને મત્સ્યઉદ્યોગના વિકાસને પણ પ્રોત્સાહન મળશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત અને કલ્પસર યોજના માટે આશયપત્ર પર થયેલા હસ્તાક્ષરથી ગુજરાત માટે સુવર્ણ સંભાવનાઓના નવા દ્વાર ખૂલ્યા છે. સાથે જ, નેધરલેન્ડ્સ તેના વિશ્વપ્રસિદ્ધ ’અફસ્લોટડાઇક’ પ્રોજેક્ટના 90 વર્ષથી વધુના અનુભવો અને ટેકનિકલ નિપુણતાનો લાભ ભારતને આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કલ્પસર યોજનાને લઈને શરૂૂઆતથી આશાવાદી રહ્યા છે. અનેક અડચણો હોવા છતાં તેમણે આ યોજનાને સાકાર કરવાનું સ્વપ્ન જીવંત રાખ્યું છે. જટિલ એન્જિનિયરિંગ અને ટેક્નોલોજીકલ પડકારોને કારણે યોજનામાં વિલંબ થયો હોવા છતાં, તાજેતરના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન દ્વારા ’અફસ્લોટડાઇક’ની મુલાકાત અને કલ્પસર યોજના માટે ભારત-નેધરલેન્ડ્સ વચ્ચે આશયપત્ર પર હસ્તાક્ષર થવાથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન આ યોજનાને લઈને કેટલા ગંભીર અને પ્રતિબદ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *