ગુજરાત

પાટણવાવનાં રૂદ્રએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી વગાડ્યો ડંકો

Published

on

17મી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, ભારતને મળ્યા 03 ગોલ્ડ, 02 સિલ્વર મેડલ, 03 બ્રોન્ઝ મેડલ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનાં મૂળ પાટણવાવ ગામનાં રૂૂદ્ર પેથાણીએ તાજેતરમાં તા. 08 થી 16 ઓગસ્ટ સુધી બેઇજિંગ , ચીન ખાતે યોજાયેલ 17મી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદી-જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ મેડલ જીતી ભારતનો ડંકો વગાડ્યો છે. આ સ્પર્ધામાં ભારતને 03 ગોલ્ડ, 02 સિલ્વર મેડલ, 03 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયા છે.


આ ઓલમ્પિયાડ માટે ભારતમાંથી 04 વિદ્યાર્થીઓનું સિલેકશન થયું હતું, જેમાં ગુજરાત, કેરળ, છત્તીસગઢ અને રાજસ્થાનના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર ધોરાજીના પાટણવાવનાં રૂૂદ્ર પેથાણીની પસંદગી થઈ હતી. આ ઓલિમ્પિયાડમાં રૂૂદ્રને થિયરી અને પ્રેક્ટિકલ , અર્થ સાયન્સ પ્રોજેક્ટ , ઈન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન એમ જુદી-જુદી ત્રણ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ મેડલ પ્રાપ્ત થતાં પરિવારમાં ખુશી છવાઈ છે.


આ તકે ગામના સરપંચ પ્રવિણભાઈ પેથાણીએ રૂૂદ્રને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આ ખુશીની ક્ષણ પેથાણી પરીવાર તથા ભારત માટે ગૌરવવંતી ક્ષણ છે. રૂૂદ્રએ તેના પિતા ડો.કૌશિક પેથાણી તથા માતા ડો. હીના પેથાણી અને સમગ્ર પરિવારની સાથે સાથે પાટણવાવ, ગુજરાત અને ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે.
ભારતે વર્ષ 2007 થી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ (આઇઇએસઓ) માં ભાગ લીધો છે અને મૈસુરમાં આયોજિત 10મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ વર્ષે , 17મી ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડમાં જુદા જુદા 35 દેશોની ટીમોએ ભાગ લીધો હતો , જેમાંથી 32 ટીમો અંતિમ તબક્કામાં પહોંચી હતી. સ્પર્ધાઓ ચાર કેટેગરીમાં હતી. થિયરી અને પ્રેક્ટિકલ, અર્થ સાયન્સ પ્રોજેક્ટ, ઇન્ટરનેશનલ ટીમ ફિલ્ડ ઇન્વેસ્ટિગેશન અને ડેટા માઇનિંગ.


ઉલ્લેખનિય છે કે, ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની રીચઆઉટ (સંશોધન, શિક્ષણ , તાલીમ અને આઉટરીચ) યોજના હેઠળનો સૌથી સફળ વિદ્યાર્થી-કેન્દ્રિત કાર્યક્રમ છે. ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઓલિમ્પિયાડ (આઇઇએસઓ)ની સ્થાપના વર્ષ 2003માં કેલગરી, કેનેડામાં ઈન્ટરનેશનલ જીઓસાયન્સ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી. આ વિશ્વભરના માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક સ્પર્ધા છે. જેનો ઉદ્દેશ ટીમ વર્ક, સહયોગ, વિચારોનું આદાનપ્રદાન અને સ્પર્ધા દ્વારા પૃથ્વી વિજ્ઞાન વિશે જાગૃતિ લાવવાનો છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version