15 વર્ષથી નાના બાળકોની પાસપોર્ટ મુદત સાથે ફી પણ વધી: સિનિયર સિટીઝનને 10 ટકાની છૂટ

જોતમે તમારા બાળકનો પહેલીવાર પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો અથવા પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરાવવાની તૈયારી કરી રહ્યા છો, તો હવે તમારે વધુ ખર્ચ કરવો પડી…

જોતમે તમારા બાળકનો પહેલીવાર પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો અથવા પોતાનો પાસપોર્ટ રિન્યૂ કરાવવાની તૈયારી કરી રહ્યા છો, તો હવે તમારે વધુ ખર્ચ કરવો પડી શકે છે. વિદેશ મંત્રાલયે પાસપોર્ટ (સંશોધન) નિયમો, 2026 જાહેર કર્યા છે. નવા નિયમો હેઠળ બાળકોના પાસપોર્ટની ફી અને તેની માન્યતાને લઈને મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સામાન્ય અને તાત્કાલિક પાસપોર્ટની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા નિયમો 15 સપ્ટેમ્બરે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ તરત જ અમલમાં આવ્યા છે. નવા નિયમોમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પાસપોર્ટની માન્યતામાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આવા બાળકોને આપવામાં આવતો 36 પાનાનો સામાન્ય પાસપોર્ટ જારી થયાની તારીખથી 5 વર્ષ સુધી માન્ય રહેશે અથવા બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી માન્ય રહેશે. આ બંનેમાંથી જે સમયગાળો પહેલાં પૂર્ણ થશે, તે માન્યતા માટે લાગુ પડશે. અર્થાત, બાળકની ઉંમર અને પાસપોર્ટ જારી થયાની તારીખને ધ્યાનમાં રાખીને તેની વાસ્તવિક માન્યતા નક્કી થશે.

નવા નિયમો હેઠળ વયસ્કો માટે 36 પાનાના સામાન્ય પાસપોર્ટની ફી ₹1,500થી વધારીને ₹2,500 કરવામાં આવી છે. જ્યારે 60 પાનાના સામાન્ય પાસપોર્ટ માટે અગાઉ ₹2,000 ચૂકવવાના થતા હતા, હવે તેની ફી વધીને ₹3,500 થઈ ગઈ છે. તાત્કાલિક પાસપોર્ટ માટે પણ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. 36 પાનાના તાત્કાલિક પાસપોર્ટની ફી હવે ₹5,000 રહેશે, જ્યારે અગાઉ તેના માટે ₹3,500 ચૂકવવાના થતા હતા. 60 પાનાના તાત્કાલિક પાસપોર્ટ માટે હવે ₹6,000 ચૂકવવા પડશે, જ્યારે અગાઉ તેની ફી ₹4,000 હતી.

જો 60 પાનાનો પાસપોર્ટ ખોવાઈ જાય અથવા નુકસાન પામે અને તેને તાત્કાલિક બદલાવવો પડે, તો તેની ફી પણ વધારવામાં આવી છે. હવે તાત્કાલિક નવા નિયમો હેઠળ સગીર બાળકો માટે પણ પાસપોર્ટની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. 36 પાનાના સામાન્ય નવા અથવા રિ-ઇશ્યૂ પાસપોર્ટ માટે અગાઉ ₹1,000 ફી હતી.
જે હવે વધારીને ₹1,750 કરવામાં આવી છે. જ્યારે 36 પાનાના તાત્કાલિક પાસપોર્ટ માટે હવે ₹3,000 ચૂકવવા પડશે.

નવા નિયમોમાં કેટલાક વર્ગના અરજદારોને ફીમાં છૂટની જોગવાઈ પણ રાખવામાં આવી છે. 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને નવો એટલે કે ફ્રેશ પાસપોર્ટ બનાવડાવતી વખતે 10 ટકાની છૂટ મળશે. જોકે, આ છૂટ માત્ર નવા પાસપોર્ટ માટે લાગુ પડશે. પાસપોર્ટના રિન્યૂ અથવા રિ-ઇશ્યૂ કરાવતી વખતે આ 10 ટકાની છૂટ ઉપલબ્ધ રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *