વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર મહિલા અનામત અંગે પોસ્ટ કરી. તેમણે લખ્યું, “અમે અમારી ‘નારી શક્તિ’ને એક વચન આપ્યું હતું, અને અમે તેને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” વીડિયોમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ‘નારી શક્તિને ભાગીદારી અપાવવાની લડત દાયકાઓથી ચાલી રહી છે. વર્ષોથી હું પણ તેના માટે પ્રયાસ કરનારાઓમાંનો એક છું. કેટલીય મહિલાઓ આ મુદ્દો મારી સમક્ષ ઉઠાવતી રહી છે.’
વધુમાં કહ્યું હતું કે “અસંખ્ય બહેનોએ પત્રો દ્વારા મારી સાથે તેમના વિચારો વ્યક્ત કર્યા છે. હું જાણું છું કે મને દેશની તમામ મહિલાઓના આશીર્વાદ પ્રાપ્ત છે. હું દેશની દરેક મહિલાને ખાતરી આપું છું કે મહિલા અનામતના માર્ગમાં આવતા દરેક અવરોધને અમે દૂર કરીશું. અમારો સંકલ્પ દ્રઢ છે.”
વડાપ્રધાન મોદીએ વધુમાં ઉમેર્યું, આપણું મનોબળ પણ ઊંચું છે, હિંમત પણ અતૂટ છે. આપણો ઇરાદો પણ અડગ છે. મહિલા અનામતનો વિરોધ કરતી પાર્ટીઓ દેશની નારી શક્તિને સંસદ અને વિધાનસભાઓમાં તેમની ભાગીદારી વધારવાથી ક્યારેય રોકી શકશે નહીં. હવે માત્ર સમયની રાહ છે.
We had made a promise to our Nari Shakti and we remain committed to fulfilling it… pic.twitter.com/ZT3TK71Psh
— Narendra Modi (@narendramodi) November 28, 2026
આ પહેલાં, શુક્રવારે કેન્દ્રીય મંત્રીમંડળ (કેબિનેટ)ની એક બેઠક યોજાઈ હતી. અહેવાલો અનુસાર, આ બેઠકમાં મહિલા અનામત અંગેનું એક નવું (બિલ) મંજૂર કરવામાં આવ્યું છે, જે સીમાંકન (ડીલિમિટેશન) પ્રક્રિયા સાથે જોડાયેલું છે. એવી અપેક્ષા છે કે આવતા અઠવાડિયે શરૂ થનારા સંસદના વિશેષ સત્ર દરમિયાન તેને રજૂ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેબિનેટની આ વિશેષ બેઠકમાં મંજૂરી માટે આ ખરડો રજૂ કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યા મુજબ, કેબિનેટે કેટલાક સુધારાઓ સાથે આ ખરડાને મંજૂરી આપી છે. આ સુધારાઓનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે સીમાંકન પ્રક્રિયા બાદ, અન્ય રાજ્યોની સરખામણીમાં લોકસભામાં કોઈપણ રાજ્યનું પ્રતિનિધિત્વ ઘટે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ‘સેવા તીર્થ’ ખાતે યોજાયેલી આ કેબિનેટ બેઠકમાં આ ખરડા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
