કોઈ એક દિવસ એવો આવશે જ્યારે માણસ પાસે રહેવા માટે સુંદર મકાન તો હશે, પરંતુ શ્વાસ લેવાં માટે શુદ્ધ હવા નહીં હોય. પીવા માટે મોંઘી બોટલ હશે, પણ કુદરતી પાણી પર વિશ્વાસ નહીં હોય. વિકાસના નામે ઉંચી ઉંચી ઈમારતો ઊભી હશે, પણ બાળકોને ખુલ્લા મેદાનમાં શુદ્ધ હવા સાથે રમવાની તક નહીં મળે. આ કોઈ કલ્પના નથી, પરંતુ પ્રદૂષણ પ્રત્યે બેદરકારી ચાલું રહેશે તો અતિ વિક્ટ પરિસ્થિતિ ઉભી શથે.
આજે માણસ છેક મંગળ સુધી પહોંચી ગયાં છે અને બીજા ઘણાં ગ્રહો પર ભ્રમણ કરતાં રહે છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં હરણફાળ ભરી રહ્યા છે. વાહનોની સંખ્યા વધી છે. ઉદ્યોગોનો વિસ્તાર વધ્યો છે. શહેરો અતિ આધુનિક બનતા જાય છે. જીવનની દરેક જરૂૂરિયાતોમાં સુવિધાઓ અને વિકલ્પો વધ્યા છે. આમ છતાં પણ એક પ્રશ્ન સતત ઊભો જ રહેશે કે આપણે આવનારી પેઢીને કેવું વાતાવરણ આપીશું? સુવિધાઓથી ભરેલું જીવન કે મિલ્કત જ પૂરતી નથી. સ્વસ્થ જીવન માટે શુદ્ધ હવા, પાણી અને સુરક્ષિત પર્યાવરણ પણ એટલા જ જરૂૂરી છે.
દર વર્ષે 2 ડિસેમ્બરે ભારતમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ મનાવવામાં આવે છે. જો કે પર્યાવરણની સમસ્યાઓ માત્ર એક દિવસની ઊજવણીથી ઉકેલી શકાય તેમ નથી. તેનાં માટે રોજિંદા જીવનમાં બદલાવ લાવવો અત્યંત જરૂૂરી છે.
સામાન્ય રીતે પ્રદૂષણની વાત આવે એટલે લોકો મોટા કારખાના, ધુમાડો છોડતા વાહનો અને ઔધોગિક વિસ્તારો વિશે વિચારવાં લાગે છે, પરંતુ પ્રદૂષણની સમસ્યા આપણી નાની નાની આદતોમાં પણ છૂપાયેલી છે. જેમ કે રસ્તાઓ પર કચરા ફેંકવા, પ્લાસ્ટિકની થેલીનો વારંવાર ઉપયોગ કરવો, અવાજ કરતાં હોર્ન વગાડવા, જરૂૂર ના હોવા છતાં વાહનો લઈને બહાર નીકળવું, લગ્ન પ્રસંગો કે જાહેર કાર્યક્રમોમાં ખોરાકનો બગાડ કરવો, અનેક કાર્યક્રમોમાં ડી. જે. સાઉન્ડ મોટા અવાજે વગાડવા, જાહેર જાજરૂૂની જગ્યાએ ખૂલ્લી જગ્યાઓ વાપરવી, બાગ બગીચાઓમાં ઝાડ પાનને રંજાડ કરવી, નદીઓમાં જાત જાતના ધાર્મિક કે વધારાની વસ્તુઓ ઠાલવવી, જેવા તો અનેક ગણી ના શકાય એટલી બાબતો આપણને સામાન્ય લાગે છે, પરંતુ જ્યારે લાખો લોકો દરરોજ આવું કરે છે ત્યારે તેની અસર સમગ્ર પર્યાવરણ પર પડે છે.
પ્રદૂષણએ માત્ર પર્યાવરણની સમસ્યા નથી, પરંતુ આપણાં વર્તન અને એક નાગરિક તરીકેના સંસ્કારની કસોટી છે. સૌથી મોટું પ્રદૂષણતો આપણાં વિચારોમાં જ છે. જાહેર જગ્યાઓ ખરાબ કરવામાં આપણો પણ એટલો જ હાથ છે. છતાં ઘર જેટલી ચોખ્ખાઈ જાહેર જગ્યાઓ પર નહીં રાખીએ. આપણે સ્વરછતા તો ઈચ્છીએ છીએ, પણ ઘણીવાર તેની જવાબદારી બીજાની હોય તેવી અપેક્ષા રાખીએ છીએ. આપણને શુદ્ધ હવા જોઈએ જ છે, પણ અનાવશ્યક ધુમાડો ઘટાડવા માટે પોતાની જીવનશૈલી બદલવી નથી.
પ્રદૂષણ નિવારણની શરૂૂઆત એક નાના સંકલ્પથી જ થશે. દરેક વ્યક્તિ જાતે સંકલ્પ લેશે કે, “હું આજથી જ જાહેર જગ્યાઓ પર કચરો ફેંકીશ જ નહીં કે રોડ રસ્તાઓ પર પાનની પિચકારીઓ મારીશ નહીં, મારી આસપાસ હું હંમેશા ચોખ્ખું જ રાખીશ.” આવી નજીવી કાર્યશૈલી પણ મસમોટો બદલાવ લાવી શકે છે. બધા જ એવું વિચારશે કે મારાં એકથી કંઈ નહીં થઈ શકે તો ક્યારેય દેશમાં પ્રદૂષણ નિવારી નહીં શકાય. સારા કાર્યોની શરૂૂઆત હંમેશા કોઈ એક વ્યક્તિથી જ થતી હોય છે.
અંતે, બાળકોને વારસામાં ભરી ભરીને સંપત્તિ આપવાની સાથે સાથે, શુદ્ધ શ્વાસ મળે એ માટે પર્યાવરણની જાળવણી કરીને થોડી શુદ્ધ હવા અને કુદરતી પાણી એમના માટે પણ રાખીએ. આપણાં જ બાળકોનું જીવન અનેક રોગોથી ઘેરાયેલું રહેશે, છતાં વારસાગત પૈસો કોઈ કામ નહીં આવે. થોડાં સ્વાર્થીના બનતા આવનારી પેઢી માટે બને તો દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવશે તો પણ પૃથ્વી હરિયાળી રહેશે. ઉપરાંત પ્રદૂષણઅટકાવવા આપણે એક નાનકડી શરૂૂઆત આપણાં વિચારોથી જ કરીએ.
