આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે દુનિયાભરમાં મોટા પ્રમાણમાં રોજગારી છીનવાઈ જશે એવી ચેતવણી લાંબા સમયથી અપાય છે અને અમેરિકન આઇટી કંપની ઓરેકલે આખી દુનિયાને તેનું ટ્રેલર બતાવી દીધું. હજુ આર્ટિશિયલ ઈન્ટેલિજન્સ (AI) શરૂૂઆતના તબક્કામાં જ છે ને તેની બહુ મોટી અસર વર્તાવા નથી માંડી ત્યાં જ ઓરેકલે એક સાથે લગભગ 30 હજાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકીને સોપો પાડી દીધો છે. ભારત માટે મોંકાણના સમાચાર એ છે કે આ છટણીમાં ભારતના જ 12 હજાર કર્મચારીઓનો વારો પડી ગયો છે.
મતલબ કે, તગેડી મુકાયા તેમાંથી 40 ટકા કર્મચારી તો ભારતના જ છે. બીજા મોંકાણના સમાચાર એ છે કે, કંપની આગામી એક મહિનાની અંદર છટણીનો બીજો રાઉન્ડ કરવાની છે તેથી ભારતમાં ઓરેકલ કંપની માટે કામ કરતા કર્મચારીઓ પર અત્યારથી તલવાર લટકવા માંડી છે. ભારતમાં ઓરેકલના 30 હજાર કર્મચારીઓ છે ને તેમાંથી 12 હજારને તો ઘરભેગા કરી દેવાયા એટલે 18 હજાર કર્મચારી બાકી રહ્યા. આ બચેલા 18 હજાર કર્મચારી આજની તારીખથી જ ફફડતા જીવે રહેશે ને મહિના પછી પોતાનો વારો તો નહીં પડી જાય ને તેની ચિંતામાં દાડા કાઢશે. મહિના પછી જેમનો વારો પડશે તેમની હાલત તો બગડશે જ પણ જે બચી જશે તેમને જલસા એવું પણ નથી. કંપની છટણીના નવા રાઉન્ડમાં પોતાનો વારો ના પાડી દે તેની ચિંતામાં એ લોકોની ઊંઘ તો પછી હરામ થવાની જ છે. કંપનીએ આટલા મોટા પાયે છટણી કરી એ તો આઘાતજનક છે જ પણ વધારે આઘાતજનક વાત એ છે કે, કર્મચારીઓને આગોતરી કોઈ જાણ નથી કરાઈ અને કર્મચારીઓને 1 એપ્રિલે વહેલી સવારે છ વાગ્યે માત્ર એક ઇમેલ મોકલીને નોકરીમાંથી કાઢી મૂકવાની જાણ કરી દેવાઈ.
કંપનીના કર્મચારીઓએ 31 માર્ચ લગી તો કશું અજુગતું બનવાનું છે તેના અંદેશા વિના કામ કર્યું ને 1 એપ્રિલે સવારે નોકરીમાંથી છૂટા કર્યાનો મેલ આવી જતાં 30 હજાર કર્મચારીઓ માટે જાગીને જોયું તો જગત દીસે નહીં જેવો ઘાટ થઈ ગયો. કંપનીએ પાછી સત્તાવાર રીતે તો કોઈ માહિતી આપી જ નથી પણ જેમને ગડગડિયું પકડાવી દઈને છૂટા કરાયા તેમણે સોશ્યલ મીડિયા પર આપવીતી જણાવી ત્યારે ઓરેકલના કાંડની સૌને ખબર પડી. ઓરેકલની છટણી ભારત માટે ભયંકર સંકેત છે. ભારતમાંથી 12 હજાર કર્મચારીઓને છૂટા કરાયા ને 18 હજાર કર્મચારીઓ પર તલવાર લટકી રહી છે એ તો કારણ છે જ મોટું કારણ ધૂંધળું ભાવિ છે. ભારતનો આઈટી ઉદ્યોગ વિદેશી આઈટી કંપનીઓ પર નિર્ભર છે ને ઓરેકલની જેમ બીજી આઈટી કંપનીઓ પણ છટણી કરવા માંડે તો ભારતીયોની હાલત બગડી જાય. હૈદરાબાદ, બેંગ્લૂરુ અને પુણે જેવાં આઈટીનાં હબ ખતમ થઈ જાય.
