હવે 600 વોટ સુધીની ઇ-બાઇક મોટર વ્હીકલ નહીં ગણાય: લિથિયમ- આયર્ન બેટરી ફરજિયાત થશે

શહેરી વિસ્તારોમાં સસ્તા અને અનુકૂળ પરિવહન વિકલ્પ તરીકે ઝડપથી લોકપ્રિય થઈ રહેલા ધીમી ગતિના ઇલેક્ટ્રિક વાહનોની સલામતી સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે.…

શહેરી વિસ્તારોમાં સસ્તા અને અનુકૂળ પરિવહન વિકલ્પ તરીકે ઝડપથી લોકપ્રિય થઈ રહેલા ધીમી ગતિના ઇલેક્ટ્રિક વાહનોની સલામતી સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકારે કવાયત હાથ ધરી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે વધુમાં વધુ 25 કિમી પ્રતિ કલાકની સ્પીડ અને 600 વોટ સુધીની મોટર પાવર ક્ષમતા ધરાવતી લો-સ્પીડ ઈ-સાયકલો અને ઈ-બાઈક્સ માટે ટેકનિકલ અને સુરક્ષા સંબંધિત નિયમોને વધુ કડક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મોટર વ્હીકલ એક્ટ હેઠળ આરટીઓ નોંધણી (રજીસ્ટ્રેશન) માંથી મુક્તિ મેળવવા માટે ઉત્પાદકોએ હવે તેમના વાહનોનું અધિકૃત ટેસ્ટિંગ એજન્સીઓ પાસે ફરજિયાત પ્રમાણપત્ર કરાવવું પડશે.

હાલના નિયમ મુજબ, જે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની મોટર ક્ષમતા 250 વોટ કરતાં ઓછી હોય તેમને કાયદા હેઠળ ‘મોટર વ્હીકલ’ ગણવામાં આવતા નથી, જેથી તેમને રજીસ્ટ્રેશન કે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂૂર રહેતી નથી. જોકે, બદલાતા ટેકનોલોજીકલ પરિદ્રશ્ય અને બજારની જરૂૂરિયાતોને ધ્યાને રાખીને આ વ્યાખ્યાનો વ્યાપ વધારીને 600 વોટ સુધી વિસ્તૃત કરવાનો નિર્ણય લેવાયો છે, જેને અધિકારીઓએ વધુ વાસ્તવિક ગણાવ્યો છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂૂલ્સ (CMVR) ના મુસદ્દા સુધારા અનુસાર, મુક્તિ મેળવવા માટે મોડેલોએ સરકારી માન્યતા પ્રાપ્ત ટેસ્ટિંગ સેન્ટરો દ્વારા નિર્ધારિત સુરક્ષા માપદંડો પાસ કરવા પડશે.

સુરક્ષા અને ગુણવત્તાના મામલે મુસદ્દામાં સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ બેટરીને લઈને કરવામાં આવી છે. આ તમામ ઈ-વાહનોમાં જૂની અને જોખમી ગણાતી લેડ-એસિડ બેટરીના ઉપયોગ પર રોક લગાવીને માત્ર લિથિયમ-આયન બેટરીનો જ ઉપયોગ ફરજિયાત કરવાની દરખાસ્ત છે. આ ઉપરાંત, રાત્રિના સમયે માર્ગ અકસ્માતો અટકાવવા અને રોડ પર દૃશ્યતા વધારવા માટે વાહનોમાં યોગ્ય બ્રેકિંગ સિસ્ટમ અને રેટ્રો-રિફ્લેક્ટિવ ડિવાઇસ (રિફ્લેક્ટર્સ) લગાવવા અનિવાર્ય રહેશે.

પેડલ-આસિસ્ટેડ ઈ-સાયકલો (પેડેલેક) માટે પણ મંત્રાલયે ચોક્કસ તકનીકી માપદંડો નિર્ધારિત કર્યા છે. ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, પેડલિંગ સહાય કરતી મોટર સ્પીડ 25 કિમી પ્રતિ કલાક પહોંચતા જ ધીમે-ધીમે પાવર ઘટાડીને આપોઆપ બંધ (કટ-ઓફ) થઈ જવી જોઈએ. સાથોસાથ સવાર જ્યારે પેડલ મારવાનું બંધ કરે ત્યારે પણ મોટર સહાય તુરંત અટકી જાય તેવી સિસ્ટમ રાખવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *